Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

લોકસભાની ચૂંટણી દેશની દિશા નક્કી કરશે, છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી અને ગોટાળા શબ્દને લોકો ભૂલી ગયાઃ સુરેન્દ્રનગરમાં સભા ગજવતા નરેન્દ્રભાઇ

રાજકોટ તા. ૧૭: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણી માટે જાહેર સભા સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દેશની દિશા નક્કી કરશે. છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી, ગોટાળા જેવા શબ્દો લોકો ભુલી જ ગયા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેરસભાના પ્રારંભે ગઇકાલે કુદરતી આપત્તિરૂપ વાવાઝોડામાં નુકસાન અને સ્વજનોને ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. તેમજ ભારત સરકાર આવી પરિસ્થિતિમાં લોકોની સાથે ખડેપગે છે તેમ જણાવ્યું હતું. ધ્રાંગધ્રાના રાજમાતાને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પાંચાળની પાવન ભૂમિ ઉપર અસુરોને વધ કરનાર મા ચામુંડા માતાજી, ઝવેરચંદ મેઘાણી અને સરદારસિંહ રાણાની ભૂમિને યાદ કરીને વિર વચ્છરાજજીને યાદ કર્યા હતાં. તેમજ તરણેતર મેળાને પણ યાદ કર્યો હતો. મહાવીરનાજયંતિના પાવન પર્વે શૂભકામના પણ પાઠવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસને આડેહાથે લઇને સૈનિકો પ્રત્યે કોંગ્રેસના નિવેદનો સામે આક્રોશ ઠાલવ્યો હતો.

આ તકે ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ મુંજપરા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્યમંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ ભાજપના અગ્રણી અને સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજ, ડો. મનસુખભાઇ માંડવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(5:28 pm IST)