Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પછાત હોવાથી કોંગ્રેસ મને નિશાન બનાવે છેઃ નરેન્દ્રભાઈ

હવે તેઓ સમગ્ર સમાજને ગાળો આપી રહ્યા છે, મને ગાળો આપો હું સહન કરી લઈશ પરંતુ અન્યને ચોર કહો છો અથવા અપમાનિત કરો છો તો હું સહન નહીં કરૂ, દેશ સહન નહીં કરે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના મધામાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે લશ્કરની બહાદુરી પર પણ કેટલાક લોકોને વાંધો છે. પરંતુ આ ચોકીદાર તેમને સફળ નહીં થવા દે અને તેઓ આવા લોકો અને દેશહિતની વચ્ચે દીવાલ બનીને ઊભા રહેશે. કોંગ્રેસ અને ગઠબંધનને મહામિલાવટી ગણાવતા મોદીએ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું કે, હવે પ્રજાને આ લોકો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ એક એવી ચૂંટણી છે જેમાં વર્તમાન સરકારને પાછી ચૂંટવા માટે પ્રજા જ પ્રચાર કરી રહી છે.

જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું કે, શ્નપછાત હોવાને લીધે કોંગ્રેસે મને ગાળો ભાંડવામાં કોઈ કચાસ રાખી નથી. હવે તેઓ સમગ્ર સમાજને ગાળો આપી રહ્યા છે. મને ગાળો આપો હું સહન કરી લઈશ પરંતુ અન્યને ચોર કહો છો અથવા અપમાનિત કરો છો તો હું સહન નહીં કરું, દેશ સહન નહીં કરે.

મોદીએ સભામાં શરદ પવાર પર પણ સીધો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું કે, પવારે મારા પરિવાર હોવા ન હોવા અંગે પણ ટીકા કરી છે. પરિવાર વ્યવસ્થા ભારતનું ગૌરવ છે પરંતુ પવાર તેમના સંસ્કાર મુજબ બોલી શકે છે. મારો પરિવાર જ મારી પ્રેરણા છે અને હું જે જીવન જીવી રહ્યો છું તેનો શ્રેય પણ પરિવારને જ જાય છે

સરકારના પાંચ વર્ષના શાસનકાળમાં ભ્રષ્ટાચારનો એકપણ ડાદ્ય લાગ્યો નથી પરંતુ જૂઠાણું ફેલાવનારાને હું રોકી શકતો નથી તેમ મોદીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું. પહેલા વચેટિયાઓ મલાઈ ખાતા હતા અને મોંઘવારી વધતી હતી જો કે અમારી સરકાર મોંઘવારીને પણ અંકુશમાં રાખવામાં સફળ રહી છે. વડાપ્રધાન મોદીની જાહેરસભાના મંચ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિજયસિંહ મોહિતે પાટિલ ઉપસ્થિત રહેતા સૌને આશ્ચર્ય થયું હતું.

વિપક્ષો પર તીવ્ર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે, લોકોને મહામિલાવટી પક્ષો પરથી ભરોસો ઉઠી ગયો છે કારણ કે તેઓ ફકત એક જ વ્યકિત સામે લડે છે. તેઓ દેશને કયાં લઈ જવો છે તે નથી જણાવતા અને મોદીને હટાવવો છે એમ એક જ વાતનું રટણ કરે છે.

(3:59 pm IST)