Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જામનગર લોકસભા અને વિધાનસભા બેઠકના લેખાજોખાઃ પૂનમબેન માડમ સામે મુળુભાઇ કંડોરીયા લડત આપી શકે તેવા ઉમેદવાર

વિધાનસભાની પેટા ચુંટણીમાં આ વખતે ફરી ભાજપે ડો. રાઘવજી પટેલને ઉતાર્યા છેઃ કોંગ્રેસના જયંતીભાઇ સભાયાએ પડકાર જીલ્યો

જામનગર, તા., ૧૭: મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ જામનગર લોકસભા અને ૭૭ વિધાનસભા મત વિસ્તારમાં ચુંટણીનો માહોલ જામતો જાય છે. ચૈત્રના ધોમ ધખતા તડકામાં દિવસ દરમ્યાન સુષુપ્ત રહેતા રાજકીય કાર્યકરો સુર્ય આથમતા ધીરે ધીરે જોમવંતા બની મોડી રાત સુધી પોતપોતાના ઉમેદવારના પક્ષે પ્રચાર પ્રસાર કાર્યમાં લાગી પડતા હોય છે. આમ ધીમે ધીમે ચુંટણીના પ્રચારમાં જોર આવ્યું છે.

લોકસભાની બેઠકની વાત કરીએ તો એક સમયે જામનગર લોકસભા બેઠક માટે વિવાદાસ્પદ ગણાતો ચહેરો હાર્દિક પટેલ રાજનીતી પટેલ પર ઉતરી આવતા જામનગર તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. પરંતુ કોંગ્રેસને એ ખબર ન હોતી કે જામનગર આયાતી ઉમેદવારને ભુતકાળમાં સ્વીકારેલ નથી. પરંતુ હાઇકોર્ટે ચુંટણી લડવાની ના પાડતા અને સુપ્રિમ કોર્ટમાં ૪ એપ્રિલ તારીખ પડતા તેઓનું ફોર્મ ભરવાનું શકય ન હોવાથી અંતે કોંગ્રેસે મુળુભાઇ કંડોરીયા ઉપર ઉમેદવાર તરીકેનો કળશ ઢોળ્યો.

ભાજપે વર્તમાન સાંસદ પૂનમબેન માડમને ટીમીટ આપી છે. ગત ટર્મમાં પૂનમબેન માડમે ૧,૭૦,૦૦૦ મતે પોતાના પ્રતિસ્પર્ધી વિક્રમભાઇ માડમને હરાવ્યા હતા. આમ જોતા વિક્રમભાઇ માડમ રાજકીય ગણીતમાં ભામાશા કહેવાય તો પણ તે હારી જતા આ વખતે ર૦૧ર માં દ્વારકા વિધાનસભામાં પ૦૦૦ મત કરતા વધુ મતે હારેલ મુળુભાઇ કંડોરીયાને જામનગર લોકસભાની સીટ ઉપર ઉમેદવારી કરાવતા આ સીટ પ્રાથમીક દ્રષ્ટિએ ભાજપને અર્પણ કરી દીધેલી છે તેવું રાજકીય પંડીત માની રહયા છે.

જામનગર લોકસભા બેઠક માટે રસપ્રદ બાબત એ છે કે બંન્ને ઉમેદવારો આહીર જ્ઞાતિના છે. તેથી જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો આહીર મતોનું વિભાજન સામાન્ય રીતે નજરે ચડે પરંતુ ગઇ ચુંટણીમાં એટલે કે ર૦૧૪ ની ચુંટણીમાં પણ બન્ને ઉમેદવારો આહીર જ્ઞાતિના જ હતા અને ત્યારે પુનમબેન માડમ પહેલી વાર લોકસભા લડતા હોવા છતા પણ તટકાલીન સાંસદ વિક્રમભાઇ માડમ સામે વિજેતા થયા. આહીર જ્ઞાતીની વસ્તી વધુ બારાડીમાં હોવાથી ર૦૧ર માં પબુભા માણેક સામે ધારાસભામાં મુળુભાઇ કંડોરીયાએ જંપલાવેલ પરંતુ તેઓ ધારાસભા સીટ પણ પાંચ હજાર કરતા વધુ મતે હારી ગયેલ અને ત્યાં પબુભા માણેકનો વિજય થયેલ. જામનગર જીલ્લામાં અને દેવભુમી દ્વારકા જિલ્લામાં બીજા નંબર વસ્તી લેઉવા પટેલની હોવાથી અને હવે હાર્દિક પટેલનું ફેકટર નબળું પડયું હોવાથી અને ઉપરાંત ભાજપે રાઘવજી પટેલને ૭૭ વિધાનસભાની ટીકીટ આપતા લેઉવા પટેલનો જુકાવ પણ ભાજપ તરફથી થયાનું તદાઉપરાંત ભાજપના પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલ કે જે ભુતકાળમાં પાંચ વખત જામનગર જિલ્લામાંથી સાંસદ તરીકે ચુંટાઇ આવેલ અને હાલમાં જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ હોવાથી તેઓ સર્વજ્ઞાતી ઉપર પ્રભુત્વ ધરાવે છે અને બન્ને સીટો જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરે છે. તેની મહેનત પણ રંગ લાવે તેવું લાગી રહયું છે. તદ ઉપરાંત હાલમાં ૭૮-ધારાસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ને તાજેતરમાં મંત્રીપદ આપ્યું હોવાથી તેવો બન્ને જિલ્લામાં પ્રભુત્વ ધરાવે છે અને ક્ષત્રીય સમાજમાં તેની લોકચાહના વિશેષ છે. જેથી ક્ષત્રીય સમાજનો ફાયદો પણ વિશેષ રીતે ભાજપને મળે તેમાં કોઇ શંકા નથી. તદ ઉપરાંત સતવારા સમાજનું બન્ને જિલ્લામાં પ્રભુત્વ છે. અને હાલમાં જ કોંગ્રેસના ધારાસભ્યને વલ્લભભાઇ ધારાવીયાએ રાજીનામું આપી અને ભાજપમાં ભળી જતા તથા મેઘજીભાઇ કણજારીયા જેઓ ખંભાળીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે રહી ચુકયા છે. આમ બન્ને સતવારા અગ્રણીઓનું જ્ઞાતિ ઉપર પ્રભુત્વ હોવાથી આ જ્ઞાતિનું પણ વિશેષ મતદાન ભાજપ તરફ થાય તેવું રાજકીય પંડીત માની રહ્યા છે. તદઉપરાંત બ્રાહ્મણ, વાણીયા, લોહાણા ભાનુશાળી સહિત સમાજના મોટાભાગના લોકો ભાજપના નિષ્ઠાવાન મતદારો છે તે કદી ભાજપનો સાથ છોડતા નથી. તદ ઉપરાંત લોકસભા અને વિધાનસભાની સીટ ઉપર ભાજપને સૌથી મોટુ પરીબળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે. તાજતેરના વર્ષોમાં ભારતે તેમની કક્ષાના ઉમદા, નિખાલશ, કાર્યદક્ષ અને તદૃન ધ્યેયલક્ષી કર્મઠ વડાપ્રધાન છે. આવા વડાપ્રધાન ભૂતકાળમાં લોકોએ જોયા નથી. નોટબંધી, જીએસટી તથા રાફેલ જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર કોંગ્રેસ તરફથી ધુવાધાર દુષ્ટ પ્રચાર કરવામાં આવ્યો. ચોકીદાર ચોર છે તેાવ તર્કવીન જુમલા કોંગ્રેસ તરફથી ઉછાડવામાં આવ્યા પરંતુ મોદલી સરકારો નેતૃત્વમાં હિંમતપૂર્વક લેવાયેલ સર્જીકલ સ્ટ્રાઇક તથા બાલાકોટ હવાઇ હુમલાના નિર્ણયઓએ તથા મિસાઇલ દ્વારા સેટેલાઇટ નષ્ટ કરવાના સફળ પ્રયોગથી થી નરેન્દ્રભાઇની પ્રતીભા વધુ ઉજળી બનાવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અને કોંગ્રેસના તર્કહીન જુમલાને દાબાઇ ગયો તેવો રાજકીય પંડીત માની રહ્યા છે.

તદઉપરાંત જામનગર જિલ્લાના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા મહદ અંશે ભાજપ સરકાર દ્વારા ઉકેલવામાં આવી છે. નર્મદાનું પાણી અને પાઇપલાઇન કેનાલ મારફત દરેક શહેરો અને ગામ સુધી પહોંચાડવામાં આવ્યું છે. અને બન્ને જિલ્લામાં કોઇ ગામમાં ગંભીર પાણીની સમસ્યા પ્રાથમિક દ્રષ્ટિ જોવા મળતી નથી. આનો લાભ પણ ભાજપને મતોમાં મળે તેવું ચોક્કસ જણાઇ આવે છે. પાક વિમો પણ તાજેતરમાં આપવામાં આવ્યો છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૯ કરોડ અને જામનગર જિલ્લાને ૧૬ કરોડ ફાળવવામાં આવ્યા અને તે વિમો ખેડૂતો સુધી પહોંચી જતા મહદ અંશે ખેડૂતોની નારાજગી પણ સરકાર ઉપર પણ ઓછી જોવા મળે છે. તે ભાજપ માટે ફાયદા કારક છે. તદ ઉપરાંત જમીન માપણી દરેક સરકાર માટે પેચીદો પ્રશ્ન રહ્યો છે. તેમ છતા પણ ભાજપ સરકારે તેની પહેલ કરી અને જમીન માપણીની કામગીરી શરૂ કરાવી ગુજરાતના મહેસુલ પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજય છે જેને પારદર્શીતા અને નિર્ણાયકતાથી જમીન રીસર્વેની કામગીરી આરંભી હતી. એટલું જ નહીં ખાતેદારોના હીત પ્રત્યેપૂર્ણ સંવેદનશીલતા દાખવી અને આ કામગીરી સફળતાની હાથ ધરાઇ છે અને તેમાં  પણ ભૂલો ન રહે તે માટે સતત મોનીટરીંગ પણ ચાલુ છે. અને ગ્રામ સભા કરી અને ખાતેદારની કે હિસ્સેદારની હાજરીમાં સ્થળ પર જઇ જમીન માપણી આધુનિક સાધન ઇ.ટી.એસ. અને ડી.જી.પી. એસ. મશીન વડે કરવામાં આવે છે અને છતાં પણ ગેરસમજ હોય તો તેનો નિકાલ કરવા માટે તાત્કાલીક સરકાર મદદ કરે છે. આ મુદ્દાના કારણે પણ લોકો ભાજપ તરફ કુણું વલણ રાખે તો કોઇ નવાઇ નથી. તેમ રાજકીય પંડીતો માની રહ્યા છે.

(3:53 pm IST)