Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સટોડિયાઓ બેફામઃ પોલીસ લાચાર

IPL અને ઇલેકશન પર વેબસાઇટ તથા એપ દ્વારા ઓનલાઇન સટ્ટો રમાતો હોવાથી એને રોકવાનું મુશ્કેલઃ પોલીસને ઝટ બુકી-સટોડિયાઓની બાતમી મળતી નથી અને મળે તો તેમને પકડીને મજબુત પુરાવાના અભાવે તરત છોડી દેવા પડે છે

મુંબઇ તા. ૧૭ :.. લોકસભાની ચંૂટણી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ની ૧ર મી સીઝન ચરમસીમાએ છે ત્યારે ભારતનાં આ બન્ને મોટા આયોજન પર મોટા પાયે સટ્ટો રમાતો હોવાનું કહેવાય છે. જો કે તપાસ એજન્સીઓ અને પોલીસ બુકીઓ સામે કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે પરંપરાગત નેટવર્કને બદલે સટ્ટો અત્યારે મોટા ભાગે ઓનલાઇન રમાઇ રહ્યો છે. ઓનલાઇન સટ્ટાની કેટલીક વેબસાઇટ તથા એપ દ્વારા ગેમ્બલિંગ મોટા પાયે ચાલી રહ્યું છે. આ તમામનું વિદેશથી સંચાલન થઇ રહ્યું છે. જેથી કાયદાકીય રીતે બુકીઓ કે સટોડિયાઓને પકડવામાં મુશ્કેલી અનુભવાઇ રહ્યાનું જાણવા મળ્યું છે. કદાચ આ જ કારણસર આઇપીએલ.ની આ સીઝનની અડધા કરતાં વધુ મેચ પુરી થયા બાદ પણ સટ્ટાબજાર સામે ઓછી કાર્યવાહી થઇ હોવાનું આંકડા પરથી જણાઇ આવે છે.

ર૦૧૮માં દેશભરમાંથી પોલીસે મોટી સંખ્યામાં દરોડા પાડીને બુકીઓને ઝડપ્યા હતા, જયારે આ વર્ષે અત્યાર સુધી ૧૦ ટકા જેટલી પણ સફળતા નથી મળી.

ત્રણ દિવસ પહેલાં ભાઇદરમાંથી પોલીસે બાતમીના આધારે એક બુકીની સટ્ટો રમવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી બુકી કોઇક વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન સટ્ટો રમતો હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. આ રીતે ખૂબ મોટી સંખ્યામાં સટ્ટો રમાતો હોવાનું કહેવાય છે, પરંતુ પોલીસ અમુકતમુકને જ ઝડપવામાં સફળ રહી છે.

પોલીસ શું કહે છે ?

બુકીઓ સામે કાર્યવાહી કરવામાં પડતી મુશ્કેલી બાબતે થાણે ગ્રામીણના સબ-ડીવીઝનલ પોલીસ ઓફીસર અતુલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'મોટા ભાગનો સટ્ટો હવે ઓનલાઇન સિસ્ટમથી રમાઇ રહ્યો હોવાથી બુકીઓ કે સટોડિયાઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો આ રીતે સટ્ટો રમી રહ્યા હોવાની બાતમી અમને મળતી હોવા છતાં તેમના  સુધી પહોંચી નથી શકાતું, વિદેશી કંપનીની વેબસાઇટ કે એપ પર ભારતના કાયદા અમલી નથી બનતા એટલે કોઇની સટ્ટાના મામલે ધરપકડ કરાય પણ ગેમ્બલિંગ એકટ સિવાય કોઇ કલમ લગાવી નથી શકતા અને આરોપી જામીન પર છૂટી જાય છે.' ભારતની તપાસ-એજન્સી અને પોલીસ કરતાં ટેકિનકલી અનેકગણા આગળ રહેતા હોવાને લીધે પણ સાઇબર ક્રિમિનલો જલદીથી નથી પકડાતાં. કદાચ આ જ કારણસર ભારતમાં ખૂબ ઝડપથી ઓનલાઇન સટ્ટો રમનારાઓની સંખ્યા વધી રહી છેે.

સટોડિયાઓને પોલીસનો  ડર નથી રહ્યો

સટ્ટાના પરંપરાગત નેટવર્કમાં અગાઉ પોલીસ બાતમીના આધારે ચોકકસ સ્થળે દરોડો પાડીને લેપટોપ, મોબાઇલ, ડાયરી સહિત પુરાવાના આધારે બુકી કે સટોડિયાને ઝડપીને કાનુની કાર્યવાહી કરતી, પરંતુ હવે ઓનલાઇન સટ્ટો રમાવા માંડતાં કોઇ પુરાવો પોલીસના હાથ નથી લાગતો. કાયદાકીય રીતે પણ કોઇ મોબાઇલથી સટ્ટો રમતો હોય તો તેની સામે કાર્યવાહી કરી નથી શકાતી એટલે બુકીઓમાં પોલીસનો ડર ખતમ થઇ ગયો હોવાનું કહેવાય છે.

સાઇબર ક્રાઇમ એકસપર્ટ શું કહે છે ?

સ્લોટસ સિસ્ટમના સાઇબર ક્રાઇમ એકસપર્ટ કૌશલ શાહે જણાવ્યું હતું કે 'ગેરકાયદે ધંધો કરનારાઓ કાયમ ટેકનોલોજિકલ આગળ જ રહેવાના. આથી તેમના પર લગામ તાણવા પોલીસ સહિતની તમામ તપાસ-એજન્સીએ અપડેટ થવું જરૂરી છે. કમનસીબે આપણે વિકસિત દેશોની તુલનાએ એટલા અપડેટ નથી. આપણા દેશમાં નીતિ આયોગ અને આઇઆઇટી સહિતની અનેક શૈક્ષણીક સંસ્થામાં યુવાનોને પૂરતી તાલીમ આપીને સાઇબર ક્રાઇમ સામે લડત આપવા તૈયાર કરી શકાય. પોલીસ ચાહે તો ઓનલાઇન સટ્ટાનો સામનો કરીને કડક કાર્યવાહી કરી શકે, પરંતુ એ માટે તેમને પુરતી તાલીમની સાથે મેનપાવર પૂરો પાડવો પણ જરૂરી છે. સટ્ટાનાં મોટા ભાગનાં ટ્રાન્ઝેકશન રાતના સમયે થતાં હોય છે એટલે સાઇબર-ટીમ આવા વ્યવહાર પર નજર રાખીને ગુનેગારોને ઝડપી શકે છે.'

સટોડિયાઓની ધરપકડનો હિસાબ ર૦૧૮માં ૩૪,  તો આ  IPLમાં માત્ર ૪

સટ્ટો ઓનલાઇન રમાતો હોવાથી પોલીસ-કાર્યવાહીમાં ખાસ્સો ફરક પડયો છે. ર૦૧૮ માં મુંબઇ, થાણે અને નવી મુંબઇ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને પોલીસે બુકી તથા સટોડિયાઓ મળીને કુલ ૩૪ વ્યકિતની ધરપકડ કરી હતી, જયારે આ વખતે અત્યાર સુધી પોલીસ આ પ્રકારના માત્ર ૪ આરોપીઓ સામે જ કાર્યવાહી કરી શકી હોવાનું પોલીસના આંકડા પરથી જણાય છે. આથી કહી શકાય કે ઓનલાઇન સટ્ટાબજારના  વધેલા ચલણથી પોલીસ તેમના સુધી પહોંચી નથી શકતી.

 

(11:33 am IST)