Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આજથી ૨ દિ' મોદી ગુજરાતમાં: અનેક સભાઓ ગજવશે

અમરેલી, સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર સહિતના શહેરોમાં સભાઓ સંબોધશે જયાં 'કાંટે કી ટકકર' છેઃ ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવા કરશે પ્રયાસઃ રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી ઘડશે વ્યુહરચના

અમદાવાદ, તા.૧૭: ગુજરાતમાં ભાજપને તમામ ૨૬ બેઠકો જીતાડવાના આયોજન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેઓ કાંટેકી ટકકર ગણાતી બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફ માહોલ ઉભો કરવા પ્રયાસ કરશે. આજે રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણી રણનીતી ઘડે તેવી શકયતા છે.

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ હવે ગુજરાતની તમામ સીટો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત જણાતી લોકસભા સીટો પર ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કર્યું છે. માટે પીએમ મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં જાહેર સ્થળોએ સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા માટે લોકોને અપીલ કરશે. 

પીએમ મોદી આજથી ગુજરાતના ૨ દિવસના પ્રચારે આવશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પીએમનો ઝંઝાવાતી પ્રચાર કરીને ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધશે. આજે બપોરેના સમયે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જયાંથી હેલિકોપ્ટર મારફત હિંમતનગર જવા રવાના થશે અને સભાને સંબોધન કરશે.

હિંમતનગરમાં સભા કર્યા બાદ પીએમ સાબરકાંઠા બેઠક માટે મત માંગશે. ઉત્ત્।ર ગુજરાતમાં ભાજપે તમામ ૪ બેઠકો જીતવા કમર કસી છે. જેના માટે ટૂંકાગાળામાં પીએમની ૨ સભાઓનું ઉત્ત્।ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સુરેન્દ્રનગર પહોચશે. જયાં તેઓ સુરેન્દ્રનગર લોકસભા માટે પ્રચાર કરશે. સુરેન્દ્રનગરની સભા કર્યા બાદ પીએમ મોદી મોડી સાંજે આણંદમાં જનસભાને સંબોધન કરશે. આણંદ અને ખેડા લોકસભાના ઉમેદવારો માટે વલ્લભ વિદ્યાનગર ખાતે સભા સંબોધશે.

કોંગ્રેસની મજબૂતી વાળી બેઠકો પર પીએમ મોદીની સભાઓ ગોઠવવામાં આવી છે. કોંગ્રેસ આણંદ અને સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે આશ્વાસ્ત છે ત્યારે પીએમની સભાઓ ત્યાં થઇ રહી છે. જયારે બીજા દિવસે એટલે કે ૧૮મીએ સવારે પીએમ મોદી અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. જયાં કોંગ્રેસ તરફથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં છે . ગઇકાલે જ પરેશ ધાનાણીના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધી હતી. ત્યારે પીએમની આ મુલાકાતથી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર રસપ્રદ બનશે. પીએમ મોદી  રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.

ત્યારે મહત્વનું છે, કે ૨૩મી એપ્રિલે પીએમ મોદી સવારે અમદાવાદ આવશે. અને તેમના મતદાનનો ઉપયોગ કરીને સવારે ૭.૩૦ કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. અને વહેલી સવારે મતદાન કરીને લોકોને ભારે મતદાન કરવા માટે પ્રેરિત કરશે.

ગુજરાતમાં આગામી ૨૩મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજનારા છે ત્યારે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે. બે દિવસમાં તેઓ સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં જનસભાઓ ગજવશે.

૧૭મી એપ્રિલના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડ માટે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધીત કરશે. ત્યાર બાદ બપોરે ૩ વાગે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા માટે સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધિત કરશે. સાંજે ૫ કલાકે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ માટે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ૧૮મી એપ્રિલના રોજ સવારે સાડા નવ કલાકે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર નારણ કાછડીયા માટે અમરેલીમાં જનસભા સંબોધશે.

૧) સાબરકાંઠા બેઠક પર દિપસિંહ રાઠોડ ભાજપના ઉમેદવાર છે, સામે પક્ષે કોંગ્રેસે રાજેન્દ્ર ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઠાકોર સમાજના ઉમેદવાર છે. આ બેઠક પર ઠાકોર સમાજના ૫ લાખથી વધારે વોટ છે. ત્યાર બાદ પાટીદાર સમાજ અને આદિવાસી સમાજ પણ મહત્વની ભૂમિકા છે. જો ઠાકોર સમાજના વોટ બંને ઉમેદાવારને મળે તો બાકી સમાજના વોટ હાર અને જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. હાલ સાબરકાંઠાની સાત વિધાનસભા બેઠકમાંથી ભિલોડા, મોડાસા, બાયડ અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે, જયારે બાકીની ત્રણ ભાજપ પાસે છે.

૨) આણંદમાં મિતેષ પટેલ ભાજપના ઉમેદવાર છે. મિતેષ પટેલ સામે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી છે. સોલંકી બે વાર આણંદ બેઠક પરથી જીતી ચુકયાં છે. ગત ચૂંટણીમાં ભાજપના દિલીપ પટેલ સામે તેમની હાર થઈ હતી. મિતેષ પટેલ એક વેપારી છે, તેઓ પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યાં છે.

૩) સુરેન્દ્રનગરમાં પણ કાંટે કી ટકકર છે. ભાજપે અહીં ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપી છે, તો સામે પક્ષે સોમા ગાંડા પટેલને કોંગ્રેસે ટિકીટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ બે વાર ભાજપ તરફથી અને એકવાર કોંગ્રેસ તરફથી સાંસદ રહી ચુકયા છે. સાથે સાથે તેઓ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે. સોમા ગાંડા સામે ભાજપના ઉમેદવાર સાવ નવા છે. જો અહીં મોદી લહેર કામ કરે તો ભાજપના ઉમેદવાર મુંજપરા જીતી શકે તેમ છે.

૪) અમરેલીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ખુદ મેદાનમાં છે. જેની સામે ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ નારાણ કાછડીયા મેદાનમાં છે. અહી બંને ઉમેદવારો પોતપોતાનું આગવું મહત્વ ધરાવે છે. અહીં પાટીદાર મતદારો કોના તરફ ઝૂકે છે તે સૌથી મહત્વનું છે. મહત્વની વાત તો એ છે કે અમરેલીની સાત વિધાનસભા બેઠકમાંથી ૫ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે, તેવામાં નારણ કાછડીયા માટે મોદીની સભા ચમાત્કાર કરી જાય તો નવાઈ નહીં

(11:30 am IST)