Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભારતે યુનો પાસેથી ૩.૮ કરોડ ડોલર લેવાના બાકી છે

કોઈપણ દેશને ચૂકવવાની થતી સૌથી વધુ રકમ

નવી દિલ્હી, તા.૧૭: સંયુકત રાષ્ટ્રે શાંતિ રક્ષા અભિયાનો માટે ભારતને માર્ચ ૨૦૧૯ સુધી ૩.૮ કરોડ રુપિયા ચૂકવવાના છે. જે કોઈપણ દેશને ચૂકવવાની થતી સૌથી વધુ રકમ છે. સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ મામલે જાણકારી આપતાં વર્લ્ડ બોડીની ખરાબ થતી નાણાકીય સ્થિતિ પર ચિંતા વ્યકત કરી. વર્લ્ડ બોડીની નાણાકીય સ્થિતિમાં સુધારા પર પોતાના રીપોર્ટમાં તેમણે કહ્યું કે ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી સૈનિક અને પોલીસના રુપમાં યોગદાન આપી રહેલા દેશોને ચૂકવવામાં આવનારી કુલ રકમ ૨૬.૫ કરોડ ડોલર છે.

આમાં સંયુકત રાષ્ટ્રને ૩.૮ કરોડ ડોલર ભારતને ચૂકવવાના છે. ત્યારબાદ રવાંડા(૩.૧ કરોડ ડોલર), પાકિસ્તાન (૨.૮ કરોડ ડોલર). બાંગ્લાદેશ (૨.૫ કરોડ ડોલર), અને નેપાળ (૨.૩ કરોડ ડોલર) ને બાકી નાણા ચૂકવવાના છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતીમાં સૈનિક અને પોલિસનું યોગદાન આપનારા દેશોની બાકી રકમ જૂન ૨૦૧૯ સુધી ૫૮.૮ કરોડ ડોલર સુધી વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે સંયુકત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનની નાણાકીય સ્થિતિ ખાસરુપે ચૂકવણી ન કરવી અથવા તેમાં મોડું થવું તે ચિંતાનો વિષય છે.

(10:29 am IST)