Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આફ્રિકાના 'ઘાના'માં મસ્જિદ - ચર્ચોને આદેશઃ વ્હોટ્સએપ પર કરવામાં આવે અઝાનઃ લાઉડ સ્પીકર બંધ કરાવ્યા

ભારતમાં પણ અનુસરવા જેવી નવી પ્રથા

અક્રા તા. ૧૭ : આફ્રિકન દેશ ઘાનામાં પ્રશાસને ગતરોજ એક આદેશ જારી કરીને જણાવ્યું કે, બધી જ મસ્જિદો અને ગિરિજાઘરોમાં પ્રાર્થના માટે લોકોને બોલાવવા લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરવામાં આવે. વધુમાં પ્રશાસને આદેશ આપ્યો કે, અઝાન માટે સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશન વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે. આ નિયમ લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં ધ્વનુ પ્રદૂષણ પર કાબુ મેળવવાનો છે. ઘાના પ્રશાસનના જણાવ્યા મુજબ ધાર્મિક સ્થળો પર લોકોની સંખ્યા વધારે હોવાને કારણે ટ્રાફિક વધારે રહે છે. પરિણામે ચર્ચની ઘંટીઓ અને મસ્જિદોની અઝાનને કારણે ધ્વનિ પ્રદૂષણ વધે છે. પરિણામે આસપાસમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘાનાના પર્યાવરણ પ્રધાને જણાવ્યું છે કે, મસ્જિદના ઈમામ નમાઝના સમયે લોકોને વ્હોટ્સએપ પર સંદેશો મોકલીને નમાઝ માટે જાણ કરી શકે છે. વધુમાં પર્યાવરણ પ્રધાને જણાવ્યું કે, પ્રાર્થનાના સમય અંગે વ્હોટ્સએપ અથવા ટેકસ્ટ મેસેજથી જાણ કરવામાં ખોટું શું છે? મને લાગે છે કે, આમ કરવાથી ધ્વનિ પ્રદૂષણ પર કાબુ મેળવવામાં મદદ મળી શકે છે. આ નિર્ણય કદાચ વિવાદાસ્પદ લાગી શકે, પણ તે અંગે આપણે સકારાત્મક વિચાર ચોક્કસ કરી શકાય તેમ છે.

જોકે, ઘાનાની રાજધાની અકરાના મુસ્લિમ સમુદાયે વ્હોટ્સએપના માધ્યમથી અઝાનનો સંદેશો મોકલવાના આદેશને માનવાનો ઈનકાર કર્યો છે. ઈમામ શેખ ઉસાન અહમદે જણાવ્યું કે, શ્નઅઝાન દિવસમાં પાંચ વખત થાય છે, ઉપરાંત વ્હોટ્સએપ દ્વારા સંદેશો મોકલવાથી ધ્વનિ પ્રદૂષણ ઘટી શકે પણ તેના આર્થિક પરિણામ પણ ભોગવવા પડશેલૃ. ઈમામને દર મહિને વેતન આપવામાં નથી આવતું જેથી આ પ્રકારનું પગલું અયોગ્ય છે.

(3:57 pm IST)