Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

મસ્જિદની અઝાનને લઈને ઉંઘમાં ખલેલ પહોંચે છે

અલાહાબાદ યૂનિવર્સિટીના કુલપતિની કલેકટરને ફરીયાદ

અલાહાબાદ, તા.૧૭: જાણીતા ગાયક સોનૂ નિગમના લાઉડસ્પીકર પર અઝાન ન કરવાની અપીલ બાદ દેશભરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. હવે આવી જ અપીલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં અલાહાબાદ યૂનિવર્સિટીના કુલપતિએ પણ કંઈક આવી જ આપીલ કરી છે. જેને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી આ મામલે સામ સામે આવી ગયા છે. તો એક મૌલાનાએ પણ કુલપતિને વણજોઈતી શિખામણ આપી દીધી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી અલાહાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ સંગીતા શ્રીવાસ્તવે સ્થાનિક ડીએમને ચિઠ્ઠી લખીને મસ્જિદમાં થતી અઝાનના કારણે તેમની ઊંદ્યને ખલેલ પહોંચતી હોવાની ફરિયાદ કરી છે અને આ મામલે કાર્યવાહીની માંગ કરી છે.

પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને ઉદ્દેશીને મોકલેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, રોજ સવારે આશરે ૫:૩૦ કલાકે મસ્જિદમાં અઝાન થાય છે. તેવામાં લાઉડસ્પીકરના મોટા અવાજના કારણે તેમની ઊંદ્યને ખલેલ પહોંચે છે. કુલપતિની ફરિયાદ પ્રમાણે અઝાનથી ઊંઘને ખલેલ પહોંચે છે અને પછી ફરી ઊંદ્ય નથી આવતી. આ કારણે આખો દિવસ માથું દુખે છે અને કામકાજ પર પણ તેની અસર પડે છે. આ ચિઠ્ઠી ૩ માર્ચના રોજ લખવામાં આવી હતી.

કુલપતિએ ચિઠ્ઠીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ કોઈ સંપ્રદાય, વર્ગ કે જાતિની વિરૂદ્ઘ નથી. સાથે જ એક કહેવતનો ઉલ્લેખ કરતા એમ પણ લખ્યું હતું કે, તમારી સ્વતંત્રતાનો ત્યાં અંત આવે છે જયાંથી મારૂ નાક ચાલુ થાય છે. સંગીતા શ્રીવાસ્તવે ચિઠ્ઠીમાં વિનંતી કરી છે કે, અઝાન લાઉડસ્પીકર વગર પણ થઈ જ શકે જેથી બીજી કોઈ વ્યકિતની દિનચર્યા પર તેની અસર ન પડે. હવે ઈદ પહેલા સવારે ૪ વાગે સહરીનું એલાન થશે જેથી તેમની મુશ્કેલી વધી શકે છે.

સંગીતા શ્રીવાસ્તવે પત્રમાં લખ્યું હતું કે, ભારતના બંધારણમાં પણ તમામ વર્ગ માટે પંથનિરપેક્ષતા અને શાંતિપૂર્ણ સૌહાર્દની પરિકલ્પના કરવામાં આવી છે. સાથે જ અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો પણ હવાલો આપ્યો છે. શ્રીવાસ્તવે અલાહબાદમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ નંબર ૫૭૦ ૨૦૨૦ના આદેશને પણ ટાંકયો છે.

કુલપતિએ ડીએમ ઉપરાંત કમિશનર, આઈજી અને ડીઆઈજીને પણ આ ચિઠ્ઠી મોકલી હતી. ડીઆઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના કહેવા પ્રમાણે થોડા દિવસ પહેલા એક લેટર મળ્યો હતો અને સંબંધિત અધિકારીને તપાસ બાદ કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીએ પણ નિયમાનુસાર કાર્યવાહીની વાત કરી છે.

આ મામલે સમાજવાદી પાર્ટીના અનુરાગ ભદૌરિયાએ કહ્યું હતું કે, જયારથી રાજયમાં ભાજપની સરકાર બની છે ત્યારથી માત્ર જાતિ-ધર્મની જ વાતો થઈ રહી છે. રોજગાર પર કોઈ ધ્યાન જ નથી આપવામાં આવી રહ્યું. કોઈ શિક્ષણ સંસ્થાને આ પ્રકારના મુદ્દે ધ્યાન ના આપવું જોઈએ. ભાજપના પ્રવકતા નવીન શ્રીવાસ્તવએ જવાબમાં કહ્યું હ્રતું કે, નમાઝ પઢવી એ અધિકાર છે, પરણ કોર્ટ આ અગાઉ પણ કહી ચુકી છે કે, તેના માટે લાઈડસ્પીકર લગાવવુ એક લોકોની સ્વતંત્રતાનું હનન છે. લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ બંધારણીય રૂપે યોગ્ય નથી તેમ ભાજપના પ્રવકતાએ કહ્યું હતું. 

આ મામલે મુસ્લીમ ધર્મગુરૂ મૌલાના સૈફ અબ્બાસ પણ કુદી પડ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અઝાન તો માત્ર ૨-૩ મીનીટ જ થાય છે. ફરિયાદીકર્તાઓએ એ પણ કહેવું જોઈએ કે સવારે જે આરતી થયા છે તેનાથી પણ તેમની ઉંદ્ય બગડે છે. માત્ર અઝાનને લઈને જ આ પ્રકારની ફરિયાદ કરવી અયોગ્ય છે. માટે હું માનુ છું કે કુલપતિએ આ ફરિયાદ પાછી ખેંચી લેવી જોઈએ.

(4:09 pm IST)