Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

એટલાન્ટાના ૩ સ્પામાં ફાયરીંગની ઘટના : ૮ના મોત

અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં થયેલા અંધાધૂંધ ફાયરીંગની ઘટનાઓમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે : જ્યારે એક વ્યકિત ઘાયલ છે

એટલાન્ટા તા. ૧૭ : અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. જયારે એક વ્યકિત ઘાયલ છે. જે બે સ્પામાં શુટિંગ થયું તે રસ્તા પર આમને સામને છે જયારે ત્રીજુ સ્પા ચેરોકી કાઉન્ટીમાં છે. પ્રશાસન એ વાતની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યું છે કે ત્રણેય ઘટનાઓ શું એકબીજા સાથે જોડાયેલી છે?

ચેરીકી કાઉન્ટી શુટિંગના સંદિગ્ધને એટલાન્ટાથી દક્ષિણમાં ક્રિસ્પ કાઉન્ટીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની ઓળખ ૨૧ વર્ષના રોબર્ટ એરન લોન્ગ તરીકે થઈ છે. ચેરોકી કાઉન્ટીના શેરિફના પ્રવકતાએ જણાવ્યું કે 'જ્યોર્જિયાના યંગ્સ એશિયન મસાજ' પર શુટિંગની ખબર મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને પાંચ લોકો ગોળીથી ઘાયલ મળ્યા. બે વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજયા અને બે વ્યકિતના હોસ્પિટલ પહોંચતા મોત થયા.

આ શુટિંગના એક કલાક બાદ એટલાન્ટામાં પોલીસને ગોલ્ડ મસાજ સ્પામાં રોબરીની ખબર મળી. તેઓ જયારે પહોંચ્યા તો ત્રણ લોકોના મોત નિપજયા હતા. આ બાજુ પોલીસને રસ્તા પર બીજી બાજુ અરોમા થેરેપી સ્પામાં ગોળીબારની ઘટનાની જાણ થઈ. અહીં પણ એક વ્યકિતનું મોત નિપજયું હતું. મૃતકોમાં ચાર મહિલાઓ છે. જે એશિયન મૂળની લાગે છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે એ કહેવું ઉતાવળભર્યું રહેશે કે તેમનું સ્પા સાથે શું કનેકશન હતું.

(10:23 am IST)