Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

રમતા રમતા બાળક શૌચાલયના ખાડામાં પડ્યું : બચાવવા ગયેલા ચાર લોકો સહિત પાંચેયના મોત

આગ્રાના ફેતેહાબાદ વિસ્તારના પ્રતાપપુરા ગામમાં મોટી દુર્ઘટના : ખાડામાં ઝેરી ગેસ હોવાના કારણે તમામ લોકોના મોત

આગ્રાના ફેતેહાબાદ વિસ્તારના પ્રતાપપુરા ગામની અંદર આજે એક મોટી દુર્ઘટના થઇ છે. આજે બપોરે એક 10 વર્ષનું બાળક રમતુ હતુ ત્યારે અચાનક તે શૌચાલયના ખાડામાં પડી ગયું. ત્યારબાદ તેને બચાવવા માટે ગયેલા ચાર લોકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. શૌચાલયના આ સેપ્ટિક ટેન્કમાંથી ઝેરી ગેસ હતો, જેના કારણે આ તમામ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ આખા ગામની અંદર ખળભળાટ મચ્યો છે. બચાવકાર્ય માટે આગ્રાથી ટીમો પહોંચી હતી

મળતી માહિતિ પ્રમાણે પ્રતાપપુરા ગામના સુરેન્દ્રએ પોતાના ઘરની બહાર શૌચાલય માટે 15 ફૂટનો ખાડો ખોદ્યો હતો. ત્યારે આજે તેનો અનુરાગ નામનો 10 વર્ષનો દિકરો જ્યારે બહાર રમતો હતો, ત્યારે અચાનક તે ખાડાની માટી ધસી અને તે ખાડામાં પડી ગયો. અનુરાગને બચાવવા માટે તેના બે ભાઇ હરિમોહન અને અવિનાશ પણ ખાડામાં કુદ્યા.

ખાડાની અંદર ઝેરી ગેસ હોવાના કારણે તે ત્રણે અંદર જ બેભાન થઇ ગયા અને બહાર ના આવી શક્યા. તે જોઇને તેમના કાકાનો દીકરો પણ ખાડામાં કુદ્યો અને આ બધાને બચાવવા એક પડોશી પણ ખાડામાં ગયો. પરંતુ આ પાંચમાંથી એક પણ વ્યક્તિ બાહાર ન આવી શક્યો. ઝેરી ગેસના કારણે તે તમામના મોત થયા હતાં.

ત્યારબાદ આખુ ગામ ભેગુ થઇ ગયું અને પોલીસને જાણ કરવામાં આવી. આગ્રાથી આવેલી બચાવ ટીમે પાંચેય લોકોને બહાર કાઢ્યા. હાલમાં તેમના મૃતદેહોને પોસ્ટમાર્ટમા માટે મોકલવામાં આવ્યા છે. ઘટના પર પ્રશાસને દુખ વ્યક્ત કર્યુ છે

(12:00 am IST)