Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

૨૦ વિદેશી રાજદૂતો કાશ્મીરમાં : સ્થિતિની સમીક્ષા

યુરોપ અને આફ્રિકન દેશોનું પ્રતિનિધિ મંડળ ૨ દિવસ રોકાશે : ૩૭૦ હટાવ્યા પછી કાશ્મીર ખીણની સ્થિતિનું આકલન કરશે

શ્રીનગર તા. ૧૭ : જમ્મુ કાશ્મીરમાં આજથી બે દિવસના પ્રવાસે વિદેશી રાજદૂતનું ડેલિગેશન મુલાકાતે આવી રહ્યુ છે. આ ડેલિગેશનમાં યુરોપ અને આફ્રિકાના રાજદૂતનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં ડીડીસીની થયેલી ચૂંટણી બાદ થયેલા વિકાસકાર્યોનું ડેલિગેશન સમીક્ષા કરશે. મળતી માહિતી પ્રમાણે વિદેશી ડેલિગેશન અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત જમ્મુમાં રાજયપાલ મનોજ સિંહા સાથે પણ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યુ છે. ડેલિગેશનને જમ્મુ કાશ્મીર સરકારના અધિકારીઓ જમ્મુ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતા સીઝફાયરની સ્થિતિ અંગે જાણકારી આપશે.

ગયા વર્ષે અમેરિકા સહિત ૧૭ દેશોના પ્રતિનિધિઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ટીમમાં વિયેતનામ, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ઉઝબેકિસ્તાન, નાઇજીરીયા, મોરોક્કો, ગિઆના, આર્જેન્ટિના, ફિલિપાઇન્સ, નોર્વે, માલદીવ, ફીજી, ટોગો, બાંગ્લાદેશ અને પેરુના રાજદૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, યુરોપીયન સંઘના ૨૩ સાંસદોનું પ્રતિનિધિ મંડળે પણ જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત લીધી હતી.

વિદેશી પ્રતિનિધિઓની મુલાકાત લેતા પહેલા મંગળવારે શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવી હતી. મુખ્ય સ્થળોએ સુરક્ષા દળોની વધારાની તહેનાત કરવામાં આવી છે. તમામ સુરક્ષા એજન્સીઓએ તેમના અધિકારીઓ અને જવાનોને સતર્ક રહેવાની સૂચના આપી છે. બુધવારથી શરૂ થઈ રહેલી પ્રતિનિધિ મંડળની મુલાકાતને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

(2:42 pm IST)