Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્નીની સાથે તાજના દીદાર કરવા માટે ઈચ્છુક

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં મુકેશ અંબાણી, રતન તાતા, સુનિલ મિત્તલ હશે : ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવ સહિતની હસ્તીઓને આમંત્રણ અપાયું : ૧૧ હજારથી વધુ સુરક્ષા જવાન હશે

આગરા-અમદાવાદ, તા. ૧૭ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદમાં ૨૪મી ફેબ્રુઆરીના દિવસે સૂચિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રમ્પ પ્રથમ વખત ભારત પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમમાં ખાસ વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, રતન તાતા, સુનિલ મિત્તલ, આનંદ મહિન્દ્રા, ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવનો સમાવેશ થાય છે. અમદાવાદના આ કાર્યક્રમ બાદ ટ્રમ્પ પોતાના પત્ની મેલેનિયાની સાથે ઐતિહાસિક આગ્રાની મુલાકાત લેશે. આગ્રા શહેરમાં આ વીવીઆઈપીના પ્રવાસ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.

        ટ્રમ્પના પ્રવાસ માટે આગ્રા વિમાની મથકથી લઈને તાજમહેલ સુધીના માર્ગને સજાવી દેવામાં આવ્યો છે. સાફ સફાઈનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સૂત્રોના કહેવા મુજબ સંભવિત પ્રવાસને લઈને અમદાવાદથી આગ્રાની વચ્ચે રૂટ પ્લાન ઉપર વાતચીત ચાલી રહી છે. અમેરિકી દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ સોમવારના દિવસે આગરા પહોંચ્યા હતા અને અહીંની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બીજી બાજુ અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં ૧.૨ લાખ લોકો પહોંચે તેવી સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયાની સાથે મોટેરા સ્ટેડિયમના લોકોને સંબોધન કરશે. ડીસીપી કંટ્રોલ વિજય પટેલે કહ્યું છે કે સ્ટેડિયમની આસપાસ સઘન સુરક્ષા રાખવામાં આવી રહી છે.

        બસ અને કારના પાર્કિંગને ધ્યાનમાં લઈને સ્ટેડિયમની આસપાસ ૨૮ ખાલી પ્લોટની પસંદગી કરાઈ છે. આ તમામ પ્લોટ સ્ટેડિયમના ૧.૫ કિમીની હદમાં છે. તેમણે એમ પણ કહ્યું છે કે શહેરની બહારથી આવનાર વાહનોને કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે ટ્રાયલ પણ યોજવામાં આવી રહી છે. પાંચ મુખ્ય ટીમો એરપોર્ટ રિસ્પેશન, સાબરમતી આશ્રમ રોડ, રોડ શો, મોટેરા સ્ટેડિયમની સુરક્ષા અને શહેરના ટ્રાફિક માટે બનાવવામાં આવ્યું છે. ૧૧૦૦૦થી વધારે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ ફરજમાં સામેલ થશે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ તમામ પ્રકારના આયોજન કરી લેવાયા છે.

(7:30 pm IST)