Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જમ્મુ-કાશ્મીરમાં ટુ-જી ઈન્ટરનેટના નામે છળઃ વ્યાપાર-રોજગાર ઠપ્પ

આતંકવાદીઓ અને અલગાવવાદીઓના કર્યા લોકો ભોગવે છે !

શ્રીનગરઃ. સુપ્રિમ કોર્ટના આદેશ પછી જમ્મુ-કાશ્મીરમાં ટુ-જી ઈન્ટરનેટ લોકોથી હજુ પણ જોજનો દૂર છે. સત્તાવાળાઓ આ સેવા એક દિવસ ચાલુ કરે છે તો કોઈને કોઈ બહાનુ બતાવી ૧૦ દિવસ બંધ કરી દે છે. લગભગ ૩૦૦ આતંકીઓ અને ગણ્યાગાઠયા અલગતાવાદીઓ પાપે એક કરોડની જનતાને ભોગવવુ પડી રહ્યુ છે તેમ રાજસ્થાન પત્રિકાના રીપોર્ટમાં જણાવાયુ છે. જે લોકો અસરગ્રસ્ત છે તેમા વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ અને સેવા પ્રદાન કરવાવાળા સામેલ છે.

ઈન્ટરનેટ બંધ હોવાથી કોઈનો પુરો ધંધો ખત્મ થઈ રહ્યો છે તો કોઈનું ભણતર પુરૂ નથી થઈ શકતું. ઈન્ટરનેટ બંધ હોવાની અસર રોજગાર પર પણ સ્પષ્ટ દેખાય રહી છે. સોપોરમાં રહેવાવાળા જાવેદ નામના યુવાને કહ્યુ કે આતંકીઓ લો એન્ડ ઓર્ડરની સમસ્યા છે તેને આખા પ્રદેશની સમસ્યા શા માટે બનાવવામાં આવી રહી છે. સૂચના ઉપર લગામ જ કસવી છે તો પછી સોશ્યલ મીડીયાને બંધ જ કરી દો. નોહટ્ટા રહેવાવાળા ફૈસલ બસીર સંશોધનનું કાર્ય કરે છે, પરંતુ તેમને શોધના વિષય વસ્તુ માટે માહિતી મળી નથી શકતી. આ કારણોસર પોતાના સગા પાસે બેંગ્લોર ચાલ્યા ગયા છે.

ઈન્ટરનેટના કારણે કાશ્મીરમાં કુરીયર, ફુડ ડીલીવરી અને નિકાસલક્ષી કેટલાય ધંધા ચોપટ થઈ ગયા છે. ઓનલાઈન ફુડ ડીલીવરી નહી હોવાને કારણે કેટલાય રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે અને કેટલાયની રોજીરોટી ખતમ થઈ ગઈ છે. મહેનતકશ યુવાન યામીન કહે છે કે માત્ર ૭૦૦ વેબસાઈટ જ ખુલી રહી છે બાકી તમામ બ્લેકલીસ્ટ છે. એના કરતા વધારે સારૂ રહેશે કે ગરબડી કરવાવાળી સોશ્યલ મીડીયા સાઈટોને જ બંધ કરી દેવામાં આવે. આને કારણે કાશ્મીરમાં શાંતિ પણ રહેશે અને રોજગારી પણ મળી રહેશે. સૌથી મોટી વાત છે કે કાશ્મીર પાટે ચડી જશે. જો યુવાનો વ્યસ્ત નહિ હોય અને ખીસ્સા પણ ખાલી હશે તો કોઈપણ તેમનો ગેરઉપયોગ કરી શકે છે.

દરમિયાન શ્રીનગરમાં ઠંડીની રજાઓ પુરી થઈ રહી છે. નજીકના દિવસોમાં સ્કૂલો શરૂ થવાની છે. ખાનગી સ્કૂલના ટીચર મહેનાઝ બાળકોના પાઠયક્રમ ઝડપથી પુરો કરવા માટે વધુમાં વધુ જાણકારી એકઠી કરવા માગે છે પણ ટુ-જી સાઈટ પર એક પણ સાઈટ ખુલતી નથી !

(3:47 pm IST)