Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બેડી યાર્ડ બહાર ટાયરો સળગાવી ચક્કાજામઃ લાઠીચાર્જ-પથ્થરમારો

યાર્ડની બાજુના વોંકળાને લીધે મચ્છરોનો ભારે ઉપદ્રવઃ ત્રાહીમામ વેપારીઓ-ખેડૂતોએ બે વર્ષમાં અનેક રજૂઆતો કરી છતાં નક્કર પગલા ન લેવાતા રોષ : વેપારી એસોિઅશેન અને ખેડૂતોએ આજે હડતાલ પાડી રોડ પર વાહનો અટકાવતાં પોલીસે જામ વિખેરવા લાઠીઓ ઉગામતાં વળતો પથ્થરમારો થયો : વેપારીઓને લાઠીઓ ખાવી પડી એ માટે મચ્છરો અને નિંભર તંત્રવાહકો જવાબદારઃ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની હાજરીમાં મળેલી મીટીંગમાં મ્યુ. કમિશનરને બપોર બાદ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો'તોઃ પણ વેપારીઓ ઉતાવળા થઇ ગયા ને ચક્કાજામ કરવા નીકળી ગયાઃ કાલે યાર્ડ બંધ રહે તેવી શકયતા : કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણી સહિત ૨૫ની પોલીસે અટકાયત કરી

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર બેડી માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોએ યાર્ડને અડીને જ આવેલા વોંકળાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઇ અને બે વર્ષથી આ સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી સંબંધીત તંત્ર તરફથી ન થતાં આજે બપોરે વેપારીઓ અને ખેડૂતોએ ભેગા મળી હડતાલ પાડી રોડ પર ઉતરી આવી ટાયરો સળગાવી સુત્રોચ્ચાર કરતાં તેમજ ચક્કાજામ કરતાં પોલીસે રસ્તો ખુલ્લો રાખી વિરોધ કરવા સમજાવવા છતાં રસ્તો ખોલવામાં ન આવતાં પોલીસે બળપ્રયોગ કરી લાઠીઓ વીંઝતા નાસભાગ મચી ગઇ હતી. સામે ટોળામાંથી  પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. આ કારણે ભાગમભાગ થઇ ગઇ હતી. પોલીસે ૨૫ની અટકાયત કરી છે. 

જાણવા મળ્યા મુજબ બેડી માર્કેટ યાર્ડને અડીને જ એક મોટો વોંકળો આવેલો છે. જેમાં ગટરના પાણી ભરાતાં હોવાથી બેફામ મચ્છરોનો ઉપદ્રવ થાય છે. આ મચ્છરો યાર્ડના વેપારીઓ અને માલ વેંચવા ખરીદવા આવતાં ખેડૂતોને પરેશાન કરી મુકે છે. બે વર્ષથી મચ્છરોને કારણે બધા હેરાન થઇ રહ્યા છે અને આ સમસ્યાનું નિવારણ કરવા માટે જીલ્લા પંચાયત અને કોર્પોરેશનના તંંત્રને બેડીના વેપારીઓ, ખેડુતો તેમજ બેડી ગામના લોકો તરફથી અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ તંત્રોએ જવાબદારીનો દોડો એક બીજા તરફ ફેંકાફેક કરી કોઇ નક્કર કાર્યવાહી કરી નહોતી. આ કારણે આજે યાર્ડના વેપારી એસોસિએશન તરફથી હડતાલની ચિમકી અપાઇ હતી અને  કલેકટર તંત્રને રજૂઆત કરવા નિર્ણય કર્યો હતો.

હડતાલ જો પાડવી પડે તો રવિવારે રાતે જે ખેડુતો માલ લઇને આવે તેનું શું કરવું? ખેડુતો હેરાન ન થાય એ માટે રાતે યાર્ડના પરિસરમાં માલ ઉતારવા દેવામાં આવ્યો હતો. દરમિયાન આજે બપોરે મોટી સંખ્યામાં યાર્ડના વેપારીઓ, ખેડુતો વોંકળામાંથી આવતાં મચ્છરોના ત્રાસ અને ગાંડીવેલને દૂર કરવાની મામ્ંગણી સાથે રોડ પર ઉતરી આવ્યા હતાં. સુરત કોર્પોરેશન પાસે આ પ્રકારની ગાંડીવેલ દૂર કરવાની અને મચ્છરો ભગાડવાની સારી મશીનરી હોઇ ત્યાંથી મશીનરી મંગાવવા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

આ મામલે વેપારીઓએ ખેડુતોએ અગાઉ બેડી યાર્ડના ચેરમેન, બેડીના સરપંચને પણ રજૂઆત કરી હતી. દરમિયાન આજે મોટી સંખ્યામાં ખેડુતો-વેપારીઓએ યાર્ડ બહાર રોડ પર આવી જઇ ટાયરો સળગાવતાં અને ચક્કાજામ કરતાં વાહનોની કતારો જામી ગઇ હતી. એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. એમ. સી. વાળા, પીએસઆઇ મેઘલાતર, ડીસીબીની ટીમ તેમજ કુવાડવા પોલીસ મથકની ડી. સ્ટાફની ટીમો દોડી ગઇ હતી. ચક્કાજામ કરનારા વેપારીઓ-ખેડુતોને પોલીસે રસ્તો ખુલ્લો કરી દેવા અને સાઇડમાં ઉભા રહી જે વિરોધ-રજૂઆત હોય તે કરવા માટે જણાવ્યું હતું. પરંતુ આ લોકોએ રસ્તો ખુલ્લો ન કરતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. સામે ટોળામાંથી કોઇએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે કમિશન એસોઅસિએશન એજન્ટના પ્રમુખ અતુલ કમાણી સહિત ૨૫ની પોલીસે અટકાયત કરી લીધી છે.

કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યુ હતું કે મચ્છરોના ઉપદ્રવ મામલે સંબંધક તંત્રવાહકોને રજુઆત કરવા છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરાતા સોમવારથી યાર્ડ બંધનું એલાન અપાયુ હતું, પરંતુ જે ખેતપેદાશોની આવકો થઈ છે તેની આજે હરરાજી કરી નાખવામાં આવી છે. યાર્ડ બંધના એલાન અંગે આજે બપોરે ૧૨ વાગ્યે યાર્ડના પદાધિકારીઓની હાજરીમાં યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટો તથા મજુરોની મીટીંગ મળી હતી. જો કે હરરાજી ચાલુ રહી હતી.

દરમિયાન આજે બપોરે યાર્ડના ચેરમને ડી. કે. સખીયાપ, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યાર્ડના વેપારીઓ, મજૂરો, ખેડુતોની મીટીંગ મળી હતી. જેમાં બપોર બાદ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જવું તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાનું નક્કી થયું હતું. પરંતુ બીજી તરફ વેપારી આગેવાનો, વેપારીઓ, મજૂરો, ખેડૂતો  સુત્રોચ્ચાર કરવા માટે યાર્ડ બહાર આવ્યા હતાં અને ટાયરો સળગાવી ચક્કાજામ કરતાં વાત વણસતાં પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. સામે ટોળામાંથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી અને રસ્તા ખુલા કરાવ્યા હતાં. મચ્છરો અને તંત્રવાહકોની નિંભરતાને કારણે નિર્દોષ વેપારીઓ અને ખેડુતોને લાઠીઓ ખાવાની વેળા આવ્યાનો આક્રોશ વેપારીઓ, ખેડુતોએ વ્યકત કર્યો હતો. (૧૪.૧૦)

મચ્છરોને કારણે મામલો બીચકયો ને વેપારીઓ-મજૂરોને માર ખાવો પડ્યો

બેડી યાર્ડમાં બાજુના વોંકળામાંથી દરરોજ અસંખ્ય મચ્છરો હલ્લાબોલ કરે છે આ કારણે વેપારીઓ, ખેડુતો, મજૂરો હેરાન પરેશાન થઇ જાય છે. બે વર્ષથી મચ્છરોનો ત્રાસ સહન કરતાં આ લોકોને આજે ચક્કાજામ કરવા જતાં માર ખાવાની વેળા આવી હતી.  તસ્વીરમાં યાર્ડ બહાર સળગાવવામાં આવેલા ટાયરો, વેપારી-ખેડુતોના ટોળા, પોલીસ અધિકારીઓ, ટીમો અને પોતાને પેટમાં લાકડી ફટકારાયાનું જણાવતાં વ્યકિત જોઇ શકાય છે

(3:03 pm IST)