Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

FPI દ્વારા ફેબ્રુઆરીમાં ૫,૩૦૦ કરોડનું રોકાણ

બજેટને લઇને રોકાણકારો આશાવાદી દેખાયા : શેરબજારમાં રોકાણ પરંતુ બોન્ડ બજારમાંથી નાણા પરત ખેંચાયા : વિદેશી રોકાણકારોની સ્થિતિ પર ચાંપતી નજર

મુંબઈ, તા.૧૭ : ફેબ્રુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ સ્થાનિક શેરબજારમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ કર્યું છે. ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટને લઇને વિદેશી મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. આ પ્રકારથી કુલ ૫૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલું આર્થિક વ્યવસ્થા તરીકે છે. ભારત દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થામાંથી એક છે. ચૂંટણી સુધી રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવે તેમ માનવામાં આવે છે.  વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.  નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. ભારતમાં હવે યોજાનાર સામાન્ય ચૂંટણી અને વૈશ્વિક પરિબળો ઉપર રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ ંછે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ પ્રવાહ હવે સામાન્ય ચૂંટણી સુધી યથાવત રહે તેવી શક્યતા છે. વૈશ્વિક ઘટનાક્રમ ઉતારચઢાવવાળા જેવા મળી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે. અન્ય જે પરિબળો વિદેશી મૂડીરોકાણકારોને હાલમાં પરેશાન કરે છે તેમાં ક્રૂડની કિંમતોમાં સતત ફેરફાર, કરન્સીમાં ઉતારચઢાવ અને માઈક્રો ઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ વોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી રહી છે. આ તમામ પ્રકારના પરિબળો એફડીઆઈ પ્રવાહની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. એફપીઆઈ રોકાણકારો હાલ કેપિટલ માર્કેટ ઉપર વિશેષરીતે ધ્યાન આપી રહ્યા છે.  ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિને લઈને પણ કારોબારીઓ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં નેટ સેલરો તરીકે રહ્યા બાદ એફપીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં લેવાલીની પ્રક્રિયા અપનાવી છે. ફેબ્રુઆરી મહિનામાં શેરમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

FPI દ્વારા લેવાલી.....

*   એફપીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં શેરમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

*   પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચે બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ પાછા ખેંચી લેવાયા

*   બજારમાં રોકાણની પ્રક્રિયા જારી રહેતા આશાવાદી

*   ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટને લઇને આશાવાદી વલણથી ભારતીય બજારમાં તેજી રહેવાના સંકેત

*   ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલી મોટી આર્થિક વ્યવસ્થા હોવાને લઇને રોકાણકારો પણ આકર્ષિત

*   જાન્યુઆરી મહિનામાં વિદેશી રોકાણકારોએ ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા

*   ભારતમાં સામાન્ય ચૂંટણી અને વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે સાવચેતીપૂર્વક આગળ વધવાની રોકાણકારોની ઇચ્છા

*   નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા બાદ જાન્યુઆરીમાં નાણા પરત ખેંચાયા

*   ૨૦૧૮માં માર્કેટમાંથી ૮૩૦૦૦ કરોડ વિદેશી ખેંચાયા હતા

એફપીઆઈની સ્થિતિ

મુંબઈ, તા. ૧૭ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

 

 

 

 

(8:15 pm IST)