Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ભારત અને ઇરાન વચ્ચે ૧૦ સમજૂતિઓ પર સહીસિક્કા

મોદી અને હસન રુહાની વચ્ચે સફળ વાતચીતઃ બેવડા કરથી બચવા, વિઝા નિયમોને હળવા કરવા તેમજ પ્રત્યાર્પણ સંધિ સહિત કુલ ૧૦ સમજૂતિ કરવામાં આવી

નવીદિલ્હી,તા. ૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇરાનના પ્રમુખ હસન રૂહાનીની સાથે ઐતિહાસિક બેઠક યોજી હતી. જેમાં તમામ મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મોદીએ સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ નવી ઉંચાઇ પર લઇ જવા તેમજ  વેપાર , રોકાણને વધારી દેવાના મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી. બન્ને નેતાઓએ આ વાતચીત દરમિયાન ક્ષેત્રીય મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન બન્ને દેશો વચ્ચે બેવડા ટેક્સથી બચવા, વીઝા નિયમો સરળ કરવા અને પ્રત્યાર્પણ સમજુતી સહિત નવ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.વાતચીત બાદ સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યુ હતુ. જેમાં મોદીએ ઇરાન અને ભારતના મજબુત સંબંધનો ઉલ્લેખ કર્યોે હતો. તેમણે કહ્યુ હતુ કે બન્ને દેશો પારસ્પરિક સહકાર વધારી દેવા માટે ઇચ્છુક છે. ઉર્જાના ક્ષેત્રમાં અમે ભાગીદારી વધારી દેવા માટે ઇચ્છુક છીએ. આ ઉપરાંત દશકો જુના સંબંધોને જાળવી રાખવા અને તેને વધારે મજબુત કરવા માટે ભારત ખુબ ઇચ્છુક છે. મોદીએ કહ્યુ હતુ કે રૂહાનીની યાત્રાથી સંબંધ નવી ઉચાઇ પર પહોંચી જશે. મોદીએ કહ્યુ હતુ કે ચાબહાર પોર્ટ માટે ઇરાનના સહકાર બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. તેમણે કહ્યુ હતુ કે ઇરાન સાથે આજે જે પણ દિશામાં સમજુતી થઇ છે તેનાથી બન્ને દેશોને ફાયદો થશે. મોદીએ કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૬માં તેઓ ઇરાન ગયા હતા ત્યારે જ દ્ધિપક્ષીય યાત્રા માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. મોદીએ હતુ કે બન્ને દેશો આ ક્ષેત્રમાંથી ત્રાસવાદને ખતમ કરવા માટે કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે અમે અમારા પડોશી દેશ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા માટે ઇચ્છુક છીએ. પોતાના આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જોવા માટે ઇચ્છુક છીએ. બીજી બાજુ ઇરાનના પ્રમુખે કહ્યુ હતુ કે ભારતની સાથે તેના જુના અને સાંસ્કૃતિક સંબંધને જાળવી રાખવા માટે અમે ઇચ્છુક છીએ. મોદીએ બન્ને પક્ષો વચ્ચે પ્રતિનિધીસ્તરની વાતચીત પહેલા રૂહાનીનુ હૈદરાબાદ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કર્યુ હતુ. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે બન્ને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ અને અન્ય તમામ મુદ્દા પર વાતચીત થઇ છે.

 

શનિવારના દિવસે સવારે રૂહાની હૈદરાબાદથી નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ઇરાનના પ્રમુખની આ પ્રથમ ભારત યાત્રા છે. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. રાજઘાટ પર જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હસન રૂહાનીની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ ટુંકી વાતચીત કરી હતી. ગઇકાલે રૂહાનીએ દુનિયાના દેશોના મુસ્લિમોને એકમ થવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જો મુસ્લિમો એકમત રહેશે તો અમેરિકા ક્યારેય યેરુસાલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે જાહેર કરવાની હિમ્મત કરી શકશે નહી. રૂહાની ત્રણ દિવસની ભારત યાત્રા પર પહોંચ્યા છે.  આ પહેલા ઇરાની પ્રમુખનુ રાષ્ટ્રપતિ ભવનમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સવારમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે તેમની સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન જુદા જુદા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

 

 

(11:08 pm IST)