Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગુજરાતમાં રહેતા ૭ હજાર જેટલા વિદેશીઓ નાગરિકતાની રાહમાં

ર૦૧૪ પહેલાં પ,૬૦૦ અરજી દાખલ થઇ, જેમાં ૭૦ ટકા મુસ્લિમ અને ૩૦ ટકા અન્ય પાકિસ્તાની છે

નવી દિલ્હી તા. ૧૭: ગુજરાતમાં ૭૦૦૦ જેટલા વિદેશીઓ લાંબા ગાળાના વિઝા પર વસી રહ્યા છે તેઓ હવે નાગરિકતાની રાહ જોઇ રહ્યા છે. ગૃહ વિભાગ સમક્ષ અરજી કરી ચૂકેલા આ નાગરિકો પૈકી ૭પ થી ૮૦ ટકા નાગરિકતા સુધારા કાયદા-સીએએએ-ર૦૧૯ની કેટેગરીમાં આવે છે, જેમાં ૩૧ ડિસેમ્બર, ર૦૧૪ પહેલાં ભારતમાં પ્રવેશ કરી ચૂકેલા વિદેશીઓને નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ર૦૧૪ પહેલા પ૬૦૦ જેટલી અરજીઓ દાખલ છકરાઇ હતી અને આમાંની ૭૦ ટકા અરજીઓ મુસ્લિમો અને અન્ય પાકિસ્તાની તરફથી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હિંદુ અને ખ્રિસ્તી પાકિસ્તાનીઓ નેચરેલાઇઝેશન દ્વારા કયારે નાગરિકતા પ્રાપ્ત કરશે તે કહેવું અત્યારે કવેળાનું છે, કારણ કે આ કાયદાના નિયમો હજુ ઘડવાના બાકી છે. એક વખત નિયમો ઘડાયા બાદ કેટલાક મુદ્દા પર સ્પષ્ટતા થયા બાદ અમારે નિયમો પ્રમાણે આ અરજીઓનું વર્ગીકરણ કરવું પડશે અને ત્યારબાદ નાગરિકતા માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે એવું આ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે નાગરિકતા કાયદા ૧૯પપમાં જે એક મહત્વનો ફેરફાર કરાયો છે તે એ છે કે અગાઉ ભારતમાં રહેવા માટેનો લઘુતમ સમયગાળો ૧૧ થી ૧ર વર્ષનો હતો, જે હવે ઘટાડીને પાંચ વષૃનો કરાયો છે. આ સમય મર્યાદા ઉપરાંત કેટલાક માપદંડો છે કે જેની વિદેશી નાગરિકોએ સમર્થન આપતાં પુરાવાઓ ઓનલાઇન ફાઇલ કરવાના રહે છે. જો જરૂરી દસ્તાવેજો ફાઇલ કરાશે નહીં તો અરજદારને તે ઓનલાઇન અથવા ફિઝિકલી રજૂ કરવા જણાવાશે. જે ક્ષણે અરજદાર પોતાની ઓનલાઇન અરજી કરશે તે ક્ષણે તેની નકલો આપોઆપ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પહોંચી જશે. ત્યારબાદ મંત્રાલય દસ્તાવેજોની તેમજ અરજદારની પૃષ્ઠ ભૂમિની વિસ્તૃત ચકાસણી કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સંપૂર્ણ સંતોષ થયા બાદ રાજયને ઇશ્યુ કરવાના પ્રમાણપત્ર સાથે અરજી મંજૂર કરાશે અને ત્યારબાદ રાજય જે તે કલેકટર કચેરી દ્વારા અરજદારને પ્રમાણપત્ર ઇશ્યૂ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે નવા કાયદા હેઠળ પાકિસ્તાની ભારતીય હિંદુઓ દ્વારા કટ ઓફ તારીખ પહેલા દાખલ કરવામાં આવેલ તમામ અરજીઓને એક સાથે જ નાગરિકતા પ્રાપ્ત થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ બધી બાબતો કેન્દ્ર દ્વારા ઘડવામાં આવનાર નિયમો અને ચકાસણીના ધોરણ પર આધારિત રહેશે. અમે તેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.

(3:48 pm IST)