Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

CM ઉદ્ઘવ ઠાકરેના નિવેદનથી

સાંઈબાબાના જન્મસ્થાન શિરડી વિશે સર્જાયો વિવાદ

મુંબઇ, તા.૧૭: શિરડીના જગપ્રસિદ્ઘ સંત સાંઇબાબાના જન્મસ્થળ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ઘવ ઠાકરેએ કરેલા વિધાનથી નારાજ થયેલા શિરડીવાસીઓ આ રવિવાર ૧૯ જાન્યુઆરીથી શિરડીની તમામ હોટલો અને દુકાનો બેમુદત બંધ રાખશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

ઉદ્ઘવે ઔરંગાબાદમાં એક સભાને સંબોધતાં એવો દાવો કર્યો હતો કે પરભણી નજીક આવેલા પારધિ ગામમાં સાંઇબાબા જન્મયા હતા. અમે આ વિસ્તારના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવીશું અને આ વિસ્તારનો વિકાસ કરીશું. સ્વાભાવિક રીતે પારધી ગામમાં હરખની લહેર ફરી વળી હતી.

પરંતુ શિરડીમાં આક્રોશ ફેલાયો હતો. સાંઇબાબા જયાં આજીવન રહ્યા હતા એ શિરડીના વિકાસ માટે કેમ કશું નહીં એવા સવાલ સાથે શિરડીએ એવી જાહેરાત કરી હતી કે રવિવાર ૧૯ જાન્યુઆરીથી શિરડીની તમામ હોટલો અને નાની મોટી દુકાનો બેમુદત બંધ રહેશે. શિરડીમાં આવનારને ફકત સાંઇબાબાનાં દર્શન થશે ખાવાપીવા કે રાત રોકાણ માટે કોઇ વ્યવસ્થા નહીં મળે.

આજે શુક્રવારે શિરડીના મુખ્ય વહીવટી અધિકારી શિરડીગામના રહેવાસીઓ સાતે ચર્ચા કરી રહ્યા હતા. ઉપરાંત શનિવારે સાંજે શિરડી ગ્રામ સમાજ એક બેઠક યોજશે. શિરડીવાસીઓનું કહેવું એવું છે કે પારધીના વિકાસ માટે તમે ૧૦૦ નહીં ૨૦૦ કરોડ ખર્ચો એની સામે અમને કોઇ વાંધો નથી પરંતુ સાંઇબાબા પારધીમાં જન્મયા હતા એવું તમે કયા આધારે કહો છો એ તો સ્પષ્ટ કરો.

(3:38 pm IST)