Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમેઝોનના સીઇઓ જેફ બેજોસ વડાપ્રધાનને ન મળી શકયાઃ એપોઇન્ટમેન્ટ ન મળી

નવી દિલ્હી, તા.૧૭: એમેઝોનનાં સંસ્થાપક અને સીઇઓ જેફ બેજોસની ભારત મુલાકાતનો ગઇ કાલે છેલ્લો દિવસ હતો. બેજોસના વડાપ્રધાન મોદીને મળવાનો કાર્યક્રમ પ્રસ્તાવિત હતો. પણ કેટલાક કારણને લીધે તેમની વડાપ્રધાન સાથે મુલાકાત નહોતી થઇ શકી.

મળતી માહિતી અનુસાર, બેજોસે વડાપ્રધાન મોદીને મળવા માટે સમય માંગ્યો હતો અને પ્રવાસના બીજા દિવસે એટલે કે બુધવારે ભારતના વખાણ પણ કર્યા હતા. આશા દર્શાવાઇ હતી કે વડાપ્રધાન બેજોસને મળશે અને ઘણા પાસાઓ અને મુદાઓ પર ચર્ચા પણ થશે. પણ પીએમઓ તરફથી મુલાકાત માટેનો કોઇ જવાબ ન મળવાના કારણે આવું શકય નહોતું બન્યું.

ઉલ્લેખનીય છે કે જેફ બેજોસ ત્રણ દિવસના પ્રવાસે ભારત આવ્યા હતા. તેમણે બે દિવસીય સંભવ સંમેલનના પહેલા દિવસે બુધવારે ભારતમાં ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણની અને ૭૦ હજાર કરોડ રૂપિયાના મેક ઇન ઇન્ડીયા ઉત્પાદનોના નિકાસની જાહેરાત કરી હતી. સાથે જ, આ વર્ષના જૂન સુધીમાં પ્લાસ્ટિક પેકીંગનો ઉપયોગ બંધ કરવાની વાત પણ કરી હતી.

પીએમઓએ મુલાકાત માટેનો સમય ન આપવા પાછળના કારણોમાં એક બેજોસનાં અખબાર વોશીંગ્ટન પોસ્ટે વડાપ્રધાન મોદી અને તેમની નીતિઓની ટીકા કરી હતી એ હતું. આ અખબારે કલમ ૩૭૦ હટાવવા અંગે એક આર્ટીકલ સીરીઝ પણ પ્રકાશિત કરી હતી. તે ઉપરાંત વડાપ્રધાન મોદીને બીલ અને મિરાંડા ગેટસ ફાઉન્ડેશન તરફથી અપાયેલ ગ્લોબલ ગોલકીપર એવોર્ડ પર પણ સવાલો ઉભા કર્યા હતા.

વડાપ્રધાન મોદીનું જેફ બેજોસને મળવાનું બીજુ મહત્વપૂર્ણ કારણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને પણ ગણવામાં આવે છે. દિલ્હી સહિત દેશના શહેરોમાં નાના વેપારીઓ એમેઝોન સીઇઓ બેજોસની ભારત યાત્રાનો વિરોધ કરી રહ્યા છે. આ વેપારીઓનું કહેવુ છે કે ઇ-કોમર્સના કારણે તેમના વેપારને અસર થઇ છે. આ સ્થિતિમાં વડાપ્રધાન જો બેજોસને મળે તો તેની અસર દિલ્હી વિધાનસભાના ચૂંટણી  પરિણામો પર થઇ શકે.

(1:00 pm IST)