Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ફાંસી પાક્કી : રાષ્ટ્રપતિએ ફગાવી દયાની અરજી

નિર્ભયાના આરોપી મુકેશને લપડાક : ફાંસીથી બચવાનો અંતિમ માર્ગ પણ બંધ : ગૃહ મંત્રાલયે સજા યથાવત રાખવાની નોંધ સાથે મોકલી હતી : બે અન્ય દોષિતો એ નથી કરી પીટીશન કે દયાની અરજી

નવી દિલ્હી,તા.૧૭: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાના કેસના દોષિત મુકેશ સિંહે કરેલી દયા અરજીને ફગાવી દીધી છે. મુકેશે સુપ્રીમ કોર્ટમાંથી કયુરેટિવ પિટિશન ફગાવ્યા પછી રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુકેશ સહિત ચાર દોષિતને ૨૨ જાન્યુઆરીનું ડેથ વોરન્ટ હતું. જોકે, મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે હોવાથી ગુરુવારે કોર્ટે કહ્યું હતું કે ૨૨ જાન્યુઆરીએ ફાંસી ના આપી શકાય.

પટિયાલા હાઉસ કોર્ટે ૭ જાન્યુઆરીએ ચારે દોષિતો મુકેશ સિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુર સામે ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ ૨૨ જાન્યુઆરી નક્કી કરી હતી. જોકે, દોષિતો પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી માગવાનો અંતિમ ઉપાય બચ્યો હતો. એવામાં મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

જોકે, હજુ અન્ય ત્રણ દોષિતો પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજીનો વિકલ્પ બચેલો છે. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ દિલ્હીમાં બનેલી ઘટનાના અન્ય દોષી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પહોંચી હતી પણ તે પછી તેણે એ કહીને અરજી પાછી ખેંચી હતી કે તેના માટે તેનું મંતવ્ય નહોતું લેવાયું. જેલના નિયમો હેઠળ કોઈ એક કેસમાં એકથી વધારે દોષિતોને ફાંસીની સજા મળી હોય તો જયાં સુધી તમામ આરોપીઓની કાયદાકીય વિકલ્પ પૂર્ણ ના થાય ત્યાં સુધી તેમણે ફાંસી નથી આપવામાં આવતી.

(3:41 pm IST)