Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

બે બાળકોનો કાયદોઃ હવે પછીનો છે સંઘનો એજન્ડા

સંઘના સુપ્રિમો મોહન ભાગવતનું એલાનઃ જો કે નિર્ણય સરકારે લેવાનો છે : મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું નિર્માણ થયે સંઘનું કામ પુરૂ થશેઃ સંઘનાં એજન્ડામાં કાશી-મથુરા નથી

મુરાદાબાદ તા. ૧૭ :.. ચાર દિવસના પ્રવાસે બુધવારે રાત્રે મુરાદાબાદ પહોંચેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક ડો. મોહનરાવ ભાગવતે ગુરૂવારે જીજ્ઞાસા સત્રમાં સ્વયંસેવકોના પ્રશ્નોના જવાબ આપતા કહયું કે સંઘની આગામી યોજના બે બાળકોનો કાયદો છે.

તેમણે કહયું કે આ સંઘનો મત છે. તેના પર નિર્ણય સરકારે લેવાનો છે. રામ મંદિર મુદ્રા પર તેમણે કહયું કે સંઘની ભૂમિકા આ પ્રકરણમાં ફકત ટ્રસ્ટના નિર્માણ સુધીની જ છે. ત્યારબાદ સંઘ પોતાને તેનાથી અલગ કરી લેશે. એક સવાલના જવાબમાં તેમણે કહયું કે કાશી-મથુરા સંઘના એજન્ડામાં કયારેય હતા નથી અને રહેશે પણ નહીં.

મુરાદાબાદ સ્થિત એમઆઇટીના સભાગારમાં જીજ્ઞાસા સત્ર દરમ્યાન ભાગવત સ્વયંસેવકોના ઉત્તર આપી રહ્યા હતાં. જીજ્ઞાસા સત્રમાં સંઘની ક્ષેત્રીય કાર્યકારિણીના ચુનંદા ૪૦ પદાધિકારીઓ હાજર હતાં. સંઘના વિશ્વાસ પાત્ર સુત્રોનું કહેવું છે કે એક સ્વયંસેવકે જયારે સંઘ પ્રમુખને પુછયું કે રામ મંદિર મુદો સુપ્રિમ કોર્ટ દ્વારા હલ થઇ ચુકયો છે હવે તેમાં સંઘની ભૂમિકા શું રહેશે.

ભાગવતે જવાબમાં કહયું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બની જશે એટલે સંઘનું કામ પુરૂ થઇ જશે અને સંઘ પોતાને તેનાથી અલગ કરી લેશે. એક સ્વયંસેવકે પુછયું કે અયોધ્યા પછી હવે સંઘ કાશી અને મથુરાનો મુદો ઉઠાવશે તો સંઘ પ્રમુખે ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહયું કે કાશી અને મથુરાનો મુદો સંઘના એજન્ડામાં હતો નહીં અને ભવિષ્યમાં પણ નહી હોય.

સંઘની આગામી યોજના અંગે પુછાયેલા સવાલના જવાબમાં સર સંઘ ચાલકે કહયું કે સંઘનો મત છે કે બે બાળકોનો કાયદો હોવો જોઇએ પણ તેના પર નિર્ણય સરકારે લેવાનો છે. નાગરિકતા સંશોધન કાનુન બાબતે પુછાયેલ સવાલના જવાબમાં તેમણે કહયું કે સીએએમાં પાછા ફરવાનો સવાલ જ નથી. તેમણે કહયું કે કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય હોય કે પછી સીએએ લાગુ કરવાનો, આ બધામાં સંઘ સરકારની સાથે ઉભો છે. તેમણે સ્વયંસેવકોને કહયું કે તેઓ જાગરૂકતા અભિયાન ચલાવીને આ બાબતે લોકોને જાગૃત કરે.

(11:29 am IST)