Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૫.૭ ટકા રહેશે

સંયુકત રાષ્ટ્રે ભારતના આર્થિક વૃદ્ઘિદરનું અનુમાન ઘટાડયું

યુનો, તા.૭: સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા ચાલુ નાણાકીય વર્ષે ભારતના આર્થિક વૃદ્ઘિદરનું અનુમાન ઘટાડીને ૫.૭ ટકા કરી દેવાયું છે.

આ આંકડો ગયા વર્ષના અનુમાન કરતાં પણ ઓછો છે.

ગયા વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ઘિદર ઘટીને ઓલ-ટાઇમ લો, ૨.૩ ટકાની સપાટીએ રહેવાના કારણે સંયુકત રાષ્ટ્રે આ અનુમાન કર્યું છે.

UNના વૃદ્ઘિદરના અનુમાન અનુસાર, 'અન્ય વિકાસશીલ રાષ્ટ્રોની જીડીપીમાં આ વર્ષે થોડી તેજી જોવા મળશે.'

સંયુકત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના, ૨૦૨૦' પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષે ભારતનો આર્થિક વૃદ્ઘિદર ૫.૭ ટકા સુધી રહી શકે છે.

ગયા વર્ષે આ જ રિપોર્ટમાં સંયુકત રાષ્ટ્રે ભારતનો આર્થિક વૃદ્ઘિદર ૭.૬ ટકા રહેશે એવું અનુમાન વ્યકત કર્યું હતું.

હાલના રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે ભારતનો જીડીપી વૃદ્ઘિદર ૬.૮ ટકા રહેવા પામ્યો હતો.

શાહિન બાગની માફક અમદાવાદમાં પણ ધરણાં?

ધ ઇન્ડિયન એકસપ્રેસ ડોટ કોમના અહેવાલ અનુસાર અમદાવાદના રખિયાલમાં દિલ્હીના શાહિન બાગમાં આંદોલન ચલાવી રહેલી મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરવા માટે મહિલાઓ સળંગ બીજા દિવસે ધરણાં પર બેઠાં હતાં.

નોંધનીય છે કે CAA મુદ્દે પાછલા ૩૦ દિવસથી દિલ્હીના શાહિન બાગની મહિલાઓ ધરણાં પર બેઠાં છે.

આ મહિલાઓ સાથે પોતાની સહાનુભૂતિ વ્યકત કરવા માટે રખિયાલની અજિત મીલ ખાતેની શહેરી ગરીબ આવાસ યોજનાના રહીશો દ્વારા મંગળવારે મોડી રાત્રે ધરણાં પર બેસવાનું નક્કી કરાયું હતું.

ગુરુવારે પણ વિસ્તારના રહીશોએ આ ધરણાં ચાલુ રાખ્યાં હતાં.

SCO સમિટ માટે પાકિસ્તાનને આમંત્રણૅં દ્વિપક્ષી વાર્તાના દ્વાર ખુલશે?

ઇન્ડિયન એકસપ્રેસ ડોટ કોમના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૦માં ભારતમાં યોજાનાર શાંદ્યાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં પાકિસ્તાનને પણ આમંત્રિત કરાશે.

આનો અર્થ એ થયો કે પાકિસ્તાનથી કાં તો વડા પ્રધાન ઇમરાન ખાન કાં તો તેમના મંત્રી પ્રતિનિધિ તરીકે આ સમિટમાં ભાગ લેવા માટે આવશે.

બંને દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં એક સાથે ભાગ લેશે, જે કારણે બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દે રોકાઈ ગયેલી દ્વિપક્ષી વાર્તા ફરી શરૂ થઈ શકે છે.

જોકે, આ સમિટ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વાર્તા યોજાશે કે કેમ એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.

નોંધનીય છે કે પાછલા દિવસોમાં ભારતીય સેના પર થયેલા હુમલા, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી તેમજ CAA અંગે બંને દેશો વચ્ચે વાકયુદ્ઘ ચાલી રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં આ સમિટના કારણે બંને દેશોના પ્રતિનિધિઓ ઘણા સમય બાદ એક મંચ પર હશે.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન બંને SCOના સભ્ય દેશો છે.

(10:07 am IST)