Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં અપરાધી ડોક્ટર બોંબ પકડાયો

જલીસ અન્સારી ઉર્ફે ડોક્ટર બોંબ કાનપુરમાંથી જબ્બે : કાનપુર મસ્જિદથી બહાર નિકળતી વેળા કરાયેલી ધરપકડ ૫૦થી વધુ જગ્યાઓ પર બોંબ બ્લાસ્ટમાં સીધી સંડોવણી

નવીદિલ્હી, તા. ૧૭ : રાજસ્થાનના જયપુરમાં સિરિયલ બોંબ બ્લાસ્ટના દોષિત જલીસ અન્સારીને કાનપુરમાંથી પકડી લેવામાં આવ્યો છે. અન્સારીને કાનપુરથી લખનૌ લાવવામાં આવ્યો છે. ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, તે યુપીના રસ્તે નેપાળ ફરાર થઇ જવાના પ્રયાસમાં હતો. કાનપુરમાં એક મસ્જિદમાંથી બહાર નિકળતી વેળા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોતાની પેરોલ ખતમ થયા બાદ તે લાપત્તા થઇ ગયો હતો. અજમેર જેલમાં આજીવન કારાવાસની સજા આ શખ્સ ભોગવી રહ્યો હતો. અન્સારીનું નામ દેશના જુદા જુદા ભાગોમાં ૫૦થી વધારે બ્લાસ્ટમાં હતું જેથી તેને ડોક્ટર બોંબ તરીકે પણ કહેવામાં આવતો હતો. ડીજીપીએ કહ્યું છે કે, અન્સારીની હવે એટીએફ દ્વારા પણ પુછપરછ કરવામાં આવનાર છે. અન્સારી પ્રોફેશનથી ડોક્ટર છે. સૌથી પહેલા રાજધાની એક્સપ્રેસમાં બોંબ રાખવાના આરોપમાં સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જલીસ ઉપર સૌથી મોટો આક્ષેપ રાજસ્થાનની પાંચ જગ્યા પર પાંચ અને છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે બ્લાસ્ટ કરવાનો આક્ષેપ હતો. આના માટે તે અજમેરની જેલમાં હાલ હવા ખાઈ રહ્યો હતો.

           તેના ઉપર પાંચથી છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે હૈદરાબાદમાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કરવાનો પણ આરોપ રહેલો છે પરંતુ આ કેસમાં ૨૦૧૫માં તે છુટી ગયો હતો. હૈદરાબાદમાં ઓછી તીવ્રતાના બ્લાસ્ટમાં આઈઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અન્સારી ઉપર આરોપ છે કે, દેશભરમાં ૫૦થી વધુ જગ્યા પર બોંબ બ્લાસ્ટ કરવામાં તેની ભૂમિકા હતી જેથી તેને ડોક્ટર બોંબ તરીકે પણ કહેવામાં આવતો હતો. ૧૯૯૪માં સીબીઆઈએ રાજધાની એક્સપ્રેસમાં બોંબ પ્લાન્ટ કરવાના મામલામાં તેની ધરપકડ કરી હતી. તે પુણે બ્લાસ્ટમાં પણ આરોપી તરીકે રહી ચુક્યો છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ કાંડ બાદ આ શખ્સે પોતાના સાથીઓની સાથે મળીને બોંબ પ્લાન્ટ કર્યા હતા. અન્સારી મૂળભૂતરીતે મુંબઈનો નિવાસી છે. અન્સારીને રાજસ્થાનની અજમેર સેન્ટ્રલ જેલમાંથી ૨૧ દિવસ માટે પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો.

શુક્રવારના દિવસે શરણાગતિ સ્વીકારી લેવાની જરૂર હતી. અધિકારીએ કહ્યું છે કે, પેરોલ દરમિયાન અન્સારીને દરરોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૧૨ વાગ્યા વચ્ચે મુંબઈના અગરીપાડા પોલીસ સ્ટેશન જઇને હાજરી પુરવવા માટે કહેવામાં આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું છે કે, પેરોલ દરમિયાન અન્સારીને કેટલીક રાહતો મળી હતી. જો કે, ગુરુવારના દિવસે તે નિર્ધારિત સમય મુજબ તે કોર્ટમાં પહોંચ્યો ન હતો. પિતા લાપત્તા થયાની ફરિયાદ દાખલ કરવા માટે તેનો પુત્ર પહોંચ્યો હતો.

(7:39 pm IST)