Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચ રેકોર્ડ સાતમી વખત આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયન

ટોચની મહિલા ખેલાડી એશ્લી બાર્ટી પણ સન્માન માટે પસંદ:બાર્ટીને બીજી વખત આંતરરાષ્ટ્રીય ટેનિસની મહિલા વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ

લંડન :સર્બિયાના વર્લ્ડ નંબરવન ટેનિસ સ્ટાર યોકોવિચને રેકોર્ડ સાતમી વખત ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ) દ્વારા વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ટોચની મહિલા ખેલાડી એશ્લી બાર્ટીને પણ આ સન્માન માટે પસંદ કરવામાં આવી છે. બાર્ટીને બીજી વખત આંતરરાષ્ટ્રીય ટેનિસની મહિલા વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

યોકોવિચ રેકોર્ડ સાતમી વખત વર્ષના અંતે વર્લ્ડ નંબર છે. તેણે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા હતા. તે ટોક્યો ઓલિમ્પિકની સેમિ ફાઈનલમાં અને ત્યાર બાદ બ્રોન્ઝ મેડલ મેચ હાર્યો હતો. જ્યારે યુએસ ઓપનમાં તે ફાઈનલમાં પરાજીત થયો હતો.

અત્યાર સુધી યોકોવિચ અને અમેરિકન ટેનિસ લેજન્ડ પેટ સામ્પ્રાસ છ-છ વખત આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ ધરાવતા હતા. જોકે યોકોવિચ આ વર્ષે પણ વર્લ્ડ ચેમ્પિયન જાહેર થતાં સામ્પ્રાસ પાછળ રહી ગયો છે. એશ્લી બાર્ટીને અગાઉ ૨૦૧૯માં આઇટીએફ મહિલા વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. તેણે ચાલુ વર્ષે વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતુ અને મિક્સ ડબલ્સમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ક્રોએશિયાના નિકોલા મેટિચ અને મેટ પાવિચને આઇટીએફ મેન્સ ડબલ્સ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બાર્બોરા ક્રેજીસકોવા અને કેટરિના સિનિકોવા વિમેન્સ ડબલ્સમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.

(12:31 am IST)