Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હવે ૨૧ વર્ષ પહેલા છોકરીઓના લગ્ન નહિ થઇ શકે

મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય : છોકરીઓની લગ્નની ઉંમર ૧૮થી વધીને ૨૧ વર્ષ થશે : કેબિનેટે ટાસ્ક ફોર્સની ભલામણને મંજુરી આપી : હાલ છોકરીઓને લગ્ન કરવાની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ છે હવે ૨૧ થશે : સરકાર કાયદાઓમાં ફેરફાર કરશે : લગ્ન માટે સ્ત્રી-પુરૂષ બંનેની કાનુની ઉંમર ૨૧-૨૧ થશે

નવી દિલ્હી તા. ૧૬ : મોદી સરકારની કેબિનેટે ગઇકાલે મહિલાઓના વિવાહની કાનુની ઉંમરને ૧૮થી વધારી ૨૧ વર્ષ કરવાને લગતા પ્રસ્તાવને મંજુરી આપી હતી. આ ઉંમર પુરૂષની સમાન ઉંમર જેટલી છે. કેબિનેટની મંજુરી બાદ હવે સરકાર બાલ વિવાહ નિષેધ અધિનિયમ ૨૦૦૬માં એક સંશોધન સંસદમાં રજૂ કરશે જેને કારણે વિશેષ વિવાહ અધિનિયમ અને હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ જેવા વ્યકિતગત કાનુનોમાં સંશોધન લાવશે. અત્રે એ નોંધનિય હાલ કાયદામાં છોકરીઓની લગ્ન માટેની કાનુની વયમર્યાદા ૧૮ છે. એવામાં આ ફેરફાર બાદ ૨૧ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓએ વિવાહ કરવાનું ગેરકાનુની બનશે. ગઇકાલે કેબિનેટ જે મંજુરી આપી તે જયા જેટલીની અધ્યક્ષતાવાળી કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા ડિસે. ૨૦૨૦માં નીતિ આયોગને કરવામાં આવેલી ભલામણો ઉપર આધારિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાના એક વર્ષ પછી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય ૧૮ થી વધારીને ૨૧ વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એકસપ્રેસના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એકટ અને હિંદુ મેરેજ એકટ ૧૯૫૫ જેવા વ્યકિતગત કાયદાઓમાં સુધારા લાવશે.

બુધવારે આપવામાં આવેલી મંજૂરીઓ ડિસેમ્બર ૨૦૨૦ માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છ. જેનું ગઠન 'માતૃત્વ-સંબંધિત બાબતોની ઉંમર, માતા મૃત્યુ દર ઘટાડવાની જરૂર, પોષણમાં સુધારો કરવાની જરૂર જેવા મામલાની તપાસ માટે કરવામાં આવી હતી.

અખબાર અનુસાર, જેટલીએ કહ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભલામણ પાછળનો અમારો તર્ક કયારેય વસ્તી નિયંત્રણનો નહોતો. NFHS ૫ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે) દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના ડેટા પહેલાથી જ દર્શાવે છે કે કુલ પ્રજનન દર ઘટી રહ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે. આ મહિલા સશકિતકરણનો વિચાર છે.

NFHS 5 ડેટા અનુસાર, ભારતે પ્રથમ વખત ૨.૦ નો કુલ પ્રજનન દર હાંસલ કર્યો છે, જે ૨.૧ પર TFR ના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. આ દર્શાવે છે કે આગામી વર્ષોમાં વસ્તી વિસ્ફોટની શકયતા નથી. ડેટા એ પણ દર્શાવે છે કે બાળ લગ્નો ૨૦૧૫-૧૬માં ૨૭ ટકાથી ઘટીને ૨૦૧૯-૨૧માં ૨૩ ટકા થયા છે. જેટલીએ જણાવ્યું હતું કે ટાસ્ક ફોર્સની ભલામણ 'નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ પછી અને વધુ મહત્ત્વની વાત એ છે કે યુવા વયસ્કો, ખાસ કરીને યુવતીઓ સાથે ચર્ચા કર્યા પછી આવી છે કારણ કે આ નિર્ણય તેમને સીધી અસર કરે છે.'

જેટલીએ કહ્યું, 'અમને ૧૬ યુનિવર્સિટીઓ તરફથી પ્રતિસાદ મળ્યો છે અને યુવાનો સુધી પહોંચવા માટે ૧૫ થી વધુ NGOને જોડવામાં આવ્યા છે. ગ્રામીણ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો અને તમામ ધર્મો અને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી એકસરખા પ્રતિસાદ લેવામાં આવ્યો હતો. અમને યુવા વયસ્કો તરફથી પ્રતિસાદ મળ્યો કે લગ્નની ઉંમર ૨૨-૨૩ વર્ષની હોવી જોઈએ. કેટલાક તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ અમને સમજાયું કે તેમને કેટલાક જૂથો દ્વારા આવું કરવાની સૂચના આપવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન ૨૦૨૦ માં રચવામાં આવેલ ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડો. વીકે પોલ અને WCD, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલયો અને વિધાન વિભાગના સચિવોનો પણ સમાવેશ થાય છે. તેણે ભલામણ કરી હતી કે નિર્ણયની સામાજિક સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા માટે એક વિશાળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે. તેણે દૂરના વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓના કિસ્સામાં પરિવહન સહિત કન્યાઓ માટે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની પણ માંગ કરી છે.

સમિતિએ વધુમાં ભલામણ કરી છે કે સેકસ એજયુકેશનને ઔપચારિક બનાવવામાં આવે અને તેને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે. લગ્નયોગ્ય વયમાં વધારો લાગુ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે પોલિટેકનિક સંસ્થાઓમાં મહિલાઓની તાલીમ, કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમ અને આજીવિકા વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત 'જો છોકરીઓ કહેશે કે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર છે, તો માતાપિતા તેમના વહેલા લગ્ન કરતાં પહેલાં બે વાર વિચારશે તેવી પણ ભલામણ કરી છે.'

હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૫ (iii) કન્યા માટે ૧૮ વર્ષ અને વર માટે ૨૧ વર્ષ લઘુત્તમ વય નિર્ધારિત કરે છે. સ્પેશિયલ મેરેજ એકટ, ૧૯૫૪ અને પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એકટ, ૨૦૦૬ પણ મહિલાઓ અને પુરૂષો માટે લગ્ન માટે સંમતિની લઘુત્તમ ઉંમર અનુક્રમે ૧૮ અને ૨૧ વર્ષ નક્કી કરે છે.

(10:12 am IST)