Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોલકાતામાં VGGS 2022 રોડ-શો દરમિયાન ઉત્સાહજનક પ્રતિસાદ : ગુજરાતમાં મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવાઈ

ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ સાથે જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર રૂપવંત સિંહ સહિત અન્ય અધિકારીઓ રોડ-શોમાં જોડાયા

ગાંધીનગરઃઉદ્યોગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચસ્તરીય ટીમે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના અનુસંધાને કોલકાતામાં રોડ-શોમાં ભાગ લીધો હતો.ઉદ્યોગ રાજ્યમંત્રીની સાથે જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર રૂપવંત સિંહ સહિત રાજ્ય સરકારના અન્ય અધિકારીઓ રોડ-શોમાં જોડાયા હતા.
 ભારતે સામાજીક-આર્થિક ક્ષેત્રમાં સાધેલી પ્રગતિનો ઉલ્લેખ કરીને જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ નોંધપાત્ર પ્રગતિ સાથે સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી રહ્યો છે.
 પંચાલે ભારતના ભવિષ્ય ઉપર લાંબાગાળાની અસર કરે એવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં પગલાંનું ઉદાહરણ ટાંક્યું હતું. તેમાં પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના, પારદર્શી અને નિશ્ચિત કર વ્યવસ્થા, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઑફ લિવિંગ અને મેઈક ઈન ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. 
 પંચાલે ભારપૂર્વક કહ્યું હતું કે, ગુજરાત નીતિ સંચાલિત રાજ્ય છે. બિઝનેસ માટે સાનુકૂળ વાતાવરણ સર્જવા માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ 2020, સુગ્રથિત લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ, ઈલેક્ટ્રીક વાહન નીતિ, સૂર્ય ઊર્જા નીતિ તથા પ્રવાસન અને કાપડ નીતિ 2021 જેવી વિવિધ નીતિ અને યોજનાઓનો પ્રારંભ કર્યો છે.
ધોલેરા SIR તથા GIFT સિટી અંગે બોલતા તેમણે કહ્યું કે, “આ બંને મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિને નવી ઊંચાઈ લઈ જશે. ગિફ્ટ સિટીમાં ભારતનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈએફએસસી) ઑથોરિટીની સ્થાપના કરવામાં આવી છે, તે સાથે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ પણ સ્થાપવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં બેંન્કિંગ, ઈન્સ્યોરન્સ, ઑફશોરિંગ તથા કેપિટલ માર્કેટની એકીકૃતત સેવાઓ ઉપલબ્ધ છે.”
“તો બીજી તરફ, ધોલેરા SIR ભારતનું સૌથી વિશાળ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક મૂડીરોકાણ ક્ષેત્ર તથા દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. ધોલેરા આધુનિક માળખાકીય સુવિધાઓ, ઉત્તમ કનેક્ટિવિટી, ઑટોનોમી માટેનું માળખું, ઝડપી અપ્રૂવલ સહિત અસાધારણ સંભાવનાઓ ઑફર કરે છે. પ્રગતિ માટે ધોલેરા કરતાં વધારે સારું સ્થળ કોઈ નથી,” તેમ શ્રી પંચાલે ઉમેર્યું હતું.
કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના રોકાણકારોને નિમંત્રણ આપતા પંચાલે કહ્યું હતું કે, VGGS 2022 માં તેમના માટે બિઝનેસની વિશિષ્ટ સંભાવનાઓ છે.
ગુજરાતના પ્રતિનિધિમંડળે બિઝનેસ અને ઔદ્યોગિક અગ્રણીઓ સાથે વ્યક્તિગત બેઠક પણ યોજી હતી જેમાં – રૂપા એન્ડ કંપની લિમિટેડ, તિતાગઢ ગ્રુપ, બિરલા કોર્પોરેશન લિમિટેડ, વિક્રમ સોલાર લિમિટિડ, જ્યુપિટર ઈન્ટરનેશનલ લિમિટેડ, ગ્રાનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટેગા ઈન્ડસ્ટ્રીઝ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફૉર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ, આઈટીસી લિમિટેડ, ગ્લોસ્ટર લિમિટેડ, લિંક પેન તથા પ્લાસ્ટિક્સ લિમિટેડ વગેરેનો સમાવેશ થતો હતો.
કોલકાતામાં આ રોડ-શોને બિઝનેસ અગ્રણીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિભાવ સાંપડ્યો હતો, જેને પગલે ગુજરાતમાં નવાં મૂડીરોકાણ આવવાની સંભાવના છે.

(12:00 am IST)