Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત

ગીતા ગોપીનાથ મહાન અર્થશાસ્ત્રીઓમાંના એક: તેઓ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રો ઇકોનોમિક્સ પરના તેમના સંશોધન માટે પણ જાણીતા

નવી દિલ્હી :ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા ટ્વીટમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે બંને વચ્ચે શું વાતચીત થઇ તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પીએમઓએ જણાવ્યું કે, IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ વડાપ્રધાન  મોદીને મળ્યા હતા.

49 વર્ષીય અગ્રણી ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી જાન્યુઆરી 2019માં IMFમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા હતા. મૈસુરમાં જન્મેલા ગોપીનાથ ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી છે. તાજેતરમાં, IMFએ કહ્યું હતું કે ગોપીનાથ આવતા વર્ષે જાન્યુઆરીમાં નોકરી છોડી દેશે અને પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પરત ફરશે.

ગીતા ગોપીનાથ મહાન અર્થશાસ્ત્રીઓમાંના એક છે. તેઓ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રો ઇકોનોમિક્સ પરના તેમના સંશોધન માટે પણ જાણીતા છે. આ સિવાય તેમના ઘણા સંશોધન ઇકોનોમિક્સ જર્નલ્સમાં પણ પ્રકાશિત થયા છે. વર્ષ 2019માં તેમને પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું હતું. તે 2019 થી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કરી રહ્યા છે.

ગીતા ગોપીનાથનો ભારત સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. તેમનો જન્મ ભારતમાં થયો હતો અને તેણે વર્ષ 1992માં દિલ્હીની લેડી શ્રી રામ કોલેજ (LSR)માંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ કર્યું હતું. આ પછી, તેમણે દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (DSE)માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું.બાદમાં 1994 માં તે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ગયા અને 1996 થી 2001 સુધી તેણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું.

(12:39 am IST)