Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

દેશમાં છેલ્લા નવ માસમાં 63 લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યાં: કુલ સંખ્યા વધીને ૪.૪૪ કરોડ પર પહોંચી ગઈ

કોરોનાના કાળમાં રોજગાર તથા આવક પર પડેલી અસરને પહોંચી વળવા કમાણીના નવા સ્રોતની શોધ

નવી દિલ્હી : કોરોનાના કાળમાં રોજગાર તથા આવક પર પડેલી અસરને પહોંચી વળવા કમાણીના નવા સ્રોતની શોધમાં દેશના અસંખ્ય લોકોએ શેરબજાર તરફ વળ્યાનું જોવા મળ્યું છે.વર્તમાન વર્ષના છેલ્લા નવ મહિનામાં દેશમાં ૬૩ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે. દેશમાં હાલમાં ડીમેટ ખાતાની સંખ્યા વધીને ૪.૪૪ કરોડ પર પહોંચી ગઈ છે.

માર્ચની નીચી સપાટીએથી નિફટી૫૦ ઈન્ડેકસમાં ૭૦ ટકા વધારો જોવાયો છે. રોકાણકારો દ્વારા ખરીદી કરાતા શેર્સ તથા સિક્યુરિટીઝને ઈલેકટ્રોનિક સ્વરૂપમાં જાળવવા ડીમેટ ખાતાનો ઉપયોગ થાય છે.

છેલ્લા નવ મહિનામાં ખોલાવાયેલા નવા ખાતામાં વધુ પડતા ખાતા મહાનગર વિસ્તારો કરતા દ્વીતિય તથા તૃતિય શ્રેણીના શહેરો ખાતેથી વધુ ખૂલ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જે દેશની ઈક્વિટીઝ બજારો માટે દૂરના વિસ્તારોમાંથી આકર્ષણ વધી રહ્યાના સંકેત મળી રહ્યા છે.લોકડાઉનના ગાળામાં લોકોએ ઘેરબેઠા નાણાં કમાવવા શેરબજારો તરફ નજર દોડાવી હોવાને કારણે ડીમેટ ખાતામાં વધારો થયો છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

કોરોનાના ફેલાવાને કારણે અસંખ્ય લોકોએ રોજગાર ગુમાવી દીધા હતા અથવા તો વેતનમાં ભારે કાપનો સામનો કરવો પડયો છે. તેલંગણા તથા આન્ધ્ર પ્રદેશના નાના શહેરોમાંથી ખાતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા જઈએ તો કોરોનાને કારણે તાજેતરના દિવસોમાં બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઝના વેપારમાં પણ જોરદાર વધારો થયો છે.

(12:22 pm IST)