Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

ખેડૂત આંદોલનને લીધે રૂ. ૫૦૦૦ કરોડનું આર્થિક નુકસાન

કૃષિ કાયદાઓએ માત્ર ખેડૂતોને અસર નથી કરી પણ સંબંધિત ક્ષેત્રો જેવા કે ટ્રાન્સપોર્ટ, કૃષિ કોમોડિટી વેપાર, ફુડ ગ્રેઇન, ગ્રાહકો, ફુડ પ્રોસેસિંગ, સીડ અને પેસ્ટિસાઇડ સેકટર અને ફર્ટિલાઇઝરને પણ અસર કરી છે

નવી દિલ્હી,તા. ૧૬ : રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૦ દિવસથી ખેડૂતોના ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનને કારણે રૂ. ૫૦૦૦ કરોડના વેપાર અને અન્ય આર્થિક કામકાજ પર ખોરવાઇ ગયાં છે. એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (સીએઆઇટી) કહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનને લીધે દિલ્હીમાં આવતા અંદાજે ૩૦ થી ૪૦ ટકા માલસામાનને તો અસર થઇ છે. ઉપરાંત વેપારી કામકાજ પર માઠી અસર પડી છે. સીએઆઇટીએ કૃષિ સંકળાયેલા અર્થતંત્રના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોને અને સરકારને આ મુદ્દે ઉકેલ લાવવા માટે અરજ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતુ કે કૃષિ કાયદાઓએ માત્ર ખેડૂતોને અસર નથી કરી પણ સંબંધિત ક્ષેત્રો જેવા કે ટ્રાન્સપોર્ટ, કૃષિ કોમોડિટી વેપાર, ફુડ ગ્રેઇન, ગ્રાહકો, ફુડ પ્રોસેસિંગ, સીડ અને પેસ્ટિસાઇડ સેકટર અને ફર્ટિલાઇઝરને પણ અસર કરી છે જેથી આ કાયદાઓથી સ્ટેહોલ્ડરોના હિતોનું પણ રક્ષણ થવું જોઇએ. ખેડૂતોને મામલે ચર્ચા-વિચાણા કરવા માટે સંયુકત સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં ખેડૂત નેતા નરેશ સિરોહીને કન્વીનર બનાવવામાં આવ્યા હતા.

ખેડૂત આંદોલનથી ઉભી થયેલી પરિસ્થિતીને જોતા અને જે રીતે આંદોલનની આર્થિક કામકાજ પર પ્રતિકુળ અસર પડી રહી છે એને ધ્યાનમાં રાખતા ખેડૂત નેતાઓ અને અન્ય નેતાઓ સાથે બેઠક યોજવામાં પ્રયાસ કરવામાં આવશે. દિલ્હીના તો એક કૃષિ રાજ્ય છે અને ન એક ઔદ્યોગિક રાજ્ય છે. પરંતુ દેશનું સૌથી મોટુ વેપાર વિતરણ કેન્દ્ર છે. દેશનાં વિવિધ રાજ્યોથી માલ અહીં આવે છે અને દિલ્હીથી બધા રાજ્યોમાં માલ પુરો પાડવામા઼ આવે છે. જો આંદોલન લાબું ચાલ્યુ તો નજીકના ભવિષ્યમાં કોરોના રોગચાળાના સમયગાળામાં વેપારીઓને બહુ મોટુ નુકસાન ભોગવવું પડશે.

(9:38 am IST)