Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

સરકાર ખેડૂતોના અમુક સુચનો સ્વિકારવા માટે તૈયાર : નીતિન ગડકરી

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ તેજ : અન્ના હજારે આંદોલનમાં જોડાય એવી કોઈ જ શક્યતા નથી, વાટાઘાટો દ્વારા રસ્તો કાઢવાની કેન્દ્રીય મંત્રીને આશા

નવી દિલ્હી, તા. ૧૫ : કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ૨૦માં દિવસે પ્રવેશ્યું છે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું હોવાથી સરકારે નમતું જોખવાની શરૂઆત કરી છે અને ખેડૂતોના તમામ સારા સુચનોને સ્વીકાર કરવાની તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોને સમજાવવા, વાતચીતના માધ્મયથી રસ્તો કાઢવા માટે તૈયાર છે. ગડકરીએ એમ પણ જણાવ્યું કે સામાજિક કાર્યકર અન્ના હજારે ખેડૂતોના આંદોલનમાં જોડાય તેવું તેમને નથી લાગી રહ્યું. જો કે વિપક્ષ પર નિશાન સાધતા ગડકરીએ કહ્યું કે ખેડૂતોના આંદોલનમાં દેશ વિરોધી કેટલાક ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક છે.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ખેડૂત સંગઠનો દ્વારા થઈ રહેલા વિરોધના સમાધાનનો એકમાત્ર રસ્તો વાટાઘાટ છે. વાતચીત નહીં થતા ભ્રમ ઉભો થાય છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી તેમજ ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકારમાં ખેડૂતો સાથે કોઈ જ અન્યાય નહીં થાય. તેમણે જણાવ્યું કે, સરકાર ખેડૂતોના સારા સુચનોને સ્વીકારવા તૈયાર છે. જો કે આમા થોડો સમય લાગી શકે છે. અમારી સરકાર ખેડૂતોને સમજાવશે અને વાતચીત દ્વારા રસ્તો નિકળશે.

જો વાતચીત નહીં થઈ શકે, તો આ વિવાદથી વધુ ભ્રમ ઊભો થઈ શકે છે. વાટાઘાટ થશે તો તમામ મુદ્દાઓને ઉકેલવામાં આવશે, વાતચીત પૂર્ણ થશે ત્યારે ખેડૂતોને ન્યાય મળશે અને રાહત પણ મળશે. ખેડૂતોના હિત માટે જ અમે કામ કરી રહ્યા છીએ તેમ ગડકરીએ વધુમાં જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોએ આ કાયદાઓને સમજવા જોઈએ. અમારી સરકાર ખેડૂતો પ્રત્યે  સમર્પિત છે અ તેમના દ્વારા કાયેલા સુચનોનો સ્વીકાર કરવા માટે તૈયાર પણ છે. અણારી સરકારમાં ખેડૂતો સાથે કોઈ ફઅન્યાય નહીં થાય. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રીના મતે ખેડૂત સંગઠનોએ કેનક્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મળીને કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવી જોઈએ જે વાતચીત માટે તૈયાર છે.

ગડકરીએ જણાવ્યું કે હાલમાં કૃષિ તેમજ વાણિજ્ય મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. જો મને ખેડૂતો સાથે વાટાઘાટ કરવાનું કહેવાશે તો હું પણ વાત કરીશ. એનડીએ સરકારે વિતેલા છ વર્ષમાં અનેક વખત ટેકાના ભાવમાં વધારો કર્યો છે. અમે ખેડૂત વિરોધી નથી, મોદી સરકારે છ વર્ષમાં ટેકાના ભાવ છ ગણા વધાર્યા છે. આ સરકારે ખેડૂતોના હિતમાં જે કામો કર્યા છે તે ૫૦ વર્ષમાં કોઈએ કર્યા નથી.

(12:00 am IST)