Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

'હું સૈનિકોના લાખો કરોડો પરિવાર પ્રત્યે જવાબદાર, એક પરિવાર પ્રત્યે નહીં': સોનિયા ગાંધીના ગઢમાં વડાપ્રધાને કોંગ્રેસની સરકારો પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી: વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાયબરેલી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સરકાર પર દેશની સેનાને નબળી કરવાનો આરોપ  લગાવ્યો. પીએમ મોદીએ રાયબરેલીના લાલગંજમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે દેશની જનતા જાણે છે કે કોંગ્રેસની સરકારોનું ભારતની સેના પ્રત્યે કેવું વલણ રહ્યું છે. સોનિયા ગાંધીના ગઢમાં વડાપ્રધાને કોંગ્રેસની સરકારો પર આકરા પ્રહારો કર્યાં.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુના નિવેદનને લઈને કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું કે આ કેવા પ્રકારના લોકો છે, જેમને ભારતમાતાના જયઘોષથી સમસ્યા, દેશની સુરક્ષા સાથે કેમ રમત રમાઈ રહી છે. આવા લોકોને કયા દેશોમાંથી સમર્થન મળી રહ્યું છે તે પણ લોકો જોઈ રહ્યાં છે. તેમના નેતા એવી ભાષા બોલી રહ્યાં છે કે પાકિસ્તાનમાં તાળીઓ પડી રહી છે.

સંરક્ષણ ડીલમાં પ્રમાણિકતાથી કોંગ્રેસ હેબતાઈ જાય છે

કોંગ્રેસ દ્વારા રાફેલના આરોપો પર પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદથી જ કોંગ્રેસની સરકાર દરમિયાન સંરક્ષણ ડીલોમાં કોઈને કોઈ મામો, કાકો, ભત્રીજો માલ ખાઈ લેતો હતો. આથી જ્યારે સંરક્ષણ ડીલ પ્રમાણિકતાથી  થાય છે તો કોંગ્રેસ હેબતાઈ જાય છે. સેનાની માન મર્યાદા તેમના ચેલાઓથી દૂર છે. જે પાર્ટીના લોકો આપણા સેના અધ્યક્ષને ગુંડા કહે છે અને કોંગ્રેસ તે નેતાને પાર્ટીમાં મોટા પદ પર બેસાડે છે. કોંગ્રેસના રાજમાં જવાનની કે ખેડૂતની કોઈ પરવા થતી નથી.

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ સામે બે પક્ષ છે, એક પક્ષ સત્યનો છે, સુરક્ષાનો છે, અને સરકાર છે. જે દરેક રીતે કોશિશ કરે છે કે આપણી સેનાની તાકાત વધે. બીજો પક્ષ એ લોકોનો છે જે દેશની સેનાને નબળી બનાવવા માંગે છે. રાફેલ મામલા તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આજે તે તાકાતોની પડખે ઊભી છે જે આપણી સેનાને મજબુત થવા દેવા માંગતા નથી.

સંરક્ષણ ડીલમાં કોંગ્રેસનો રેકોર્ડ ક્વોત્રોચી મામલાવાળો રહ્યો છે

પીએમ મોદીએ કહ્યું કે કારગિલ યુદ્ધ (અટલજીની સરકાર) બાદ  કોંગ્રેસે 10 વર્ષ દેશ પર રાજ કર્યું પરંતુ ક્યારેય વાયુસેનાને મજબુત કરવાનું કામ કર્યું નહી. તેમણે કહ્યું કે સંરક્ષણ ડીલ મામલે કોંગ્રેસનો રેકોર્ડ ક્વોત્રોચીમામા વાળો રહ્યો છે. ક્રિશ્ચેન મિશેલને બચાવવા માટે કોંગ્રેસે કોર્ટમાં પોતાનો વકીલ મોકલ્યો. વડાપ્રધાને કહ્યું કે અમારા માટે પક્ષથી મોટો દેશ છે, એ જ અમારો મંત્ર જીવનભર રહેશે.

રાફેલ મામલે કોંગ્રેસ પર કૌભાંડોનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે રામચરિત માનસમાં એક ચોપાઈ છે. જેમાં કહેવાયું છે કે કેટલાક લોકો જુઠ્ઠાણાનો જ સ્વીકાર કરે છે. જુઠ્ઠાણાનું જ ભોજન કરે છે. જુઠ્ઠાણાને જ ચાવતા રહે છે. કેટલાક લોકોએ આ પંક્તિઓને આખો દિવસ ચાવ્યા કરે છે. આવા લોકો માટે દેશના સંરક્ષણ મંત્રી ખોટા છે. વાયુસેના પણ ખોટી છે, ફ્રાન્સની સરકાર પણ ખોટી છે અને હવે તો તેમને સુપ્રીમ કોર્ટ પણ ખોટી લાગે છે. પરંતુ સત્યને ક્યારેય શ્રૃંગારની જરૂર પડતી નથી. જૂઠ્ઠાણું ગમે તેટલું બોલાય પરંતુ તેમાં જીવ હોતો નથી.

સૈનિકોના લાખો-કરોડો પરિવાર પ્રત્યે હું જવાબદાર, એક પરિવાર પ્રત્યે નહીં

અમે પૂરા પ્રયત્નો કરી રહ્યાં છીએ કે ભારતની સેના નબળી ન પડે. અમારા માટે જીવની બાજી લગાવનારા સૈનિકોને મજબુત કરવા એ અમારો ઉદ્દેશ્ય છે. હું તે સૈનિક અને તેના પરિવાર પ્રત્યે જવાબદાર છું. જ્યાં સુધી હું છું ત્યાં સુધી સરકાર તે લાખો કરોડો પરિવાર પ્રત્યે જવાબદાર હશે, કોઈ એક પરિવાર  પ્રત્યે નહીં. આ માટે કડકમાં કડક નિર્ણયો લેવામાં પણ અમે પીછેહટ નહીં કરીએ.

પીએમ મોદીએ કહ્યું કે આપણા જવાનોની સુરક્ષા પ્રત્યે કોંગ્રેસનું વલણ કેવું રહ્યું છે તે હું દેશને ફરીથી યાદ કરાવવા માંગુ છું. કોંગ્રેસના રાજમાં (2004-2009) સેનાના બુલેટ પ્રુફ જેકેટની ખરીદી થઈ નહીં. અમારી સરકાર આવ્યાં બાદ 50000 બુલેટપ્રુફ જેકેટ ખરીદીને સેનાને અપાયા. આ જેકેટ ભારતમાં જ બન્યાં છે.

જો 2014 બાદ કોંગ્રેસની સરકાર બની હોત તો તેજસ વિમાન ડબ્બામાં બંધ કરી દેવાયા હોત. યુપીએ સરકર દરમિયાન તેજસ પ્રોજેક્ટને નબળો કરાયો. આ પ્રોજેક્ટ પહેલેથી અટકેલો હતો, કોંગ્રેસે તેને મજબુત કરવાની કોશિશ ન કરી.  અમારી સરકાર આવી તો 23 તેજસ વિમાનોની ખરીદીને મંજૂરી આપી. છેલ્લા બે વર્ષમાં એચએએલને 1400 કરોડની મંજૂરી અપાઈ.

(3:48 pm IST)