Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

બાંગ્લાદેશમાં હવે ઇસ્કોન મંદિર પર હુમલો ટોળાએ શ્રધ્ધાળુઓને મારપીટ કરી : અનેક ગંભીર

કુરાનના અપમાનની વાત ફેલાવીને કરાઇ રહ્યા છે હુમલા

ઢાકા,તા. ૧૬: બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની ચેતવણી પછી પણ મંદિરોમાં તોડફોડ અને હિન્દુઓ પરના હુમલાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લેતી. બાંગ્લાદેશના નોઆખલીમાં ટોળાએ ઇસ્કોન મંદિર પર હુમલો કર્યો હતો અને ભયંકર તોડફોડ કરી હતી એટલુ જ નહીં મંદિરમાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓ પર પણ ટોળાએ હુમલો કરીને મારપીટ કરી.

ઇસ્કોન દ્વારા ટ્વીટ કરીને હુમલાની માહિતી અપાઇ હતી. ઇર્સ્કોને હુમલાની તસ્વીરો પણ જાહેર કરી છે. ઈસ્કોને ટવીટ કરીને કહ્યું 'બાંગ્લાદેશના નોઆખલીમાં આજે ઇસ્કોન મંદિર અને શ્રધ્ધાળુઓ પર ટોળાએ હિંસક હુમલો કર્યો. મંદિરને ઘણુ નુકસાન થયું છે. અને કેટલાય શ્રધ્ધાળુઓની સ્થિતી ગંભીર છે. અમે બાંગ્લાદેશ સરકાર પાસે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચીત કરવા અને દોષીતોને ન્યાયના કઠેડામાં લાવવાની માંગણી કરીએ છીએ.

તો બીજી તરફ બાંગ્લાદેશના ચટગાવં વિભાગના કોમિલા વિસ્તારમાં કુરાનના અપમાનની વાત ફેલાવીને હુમલાખોરોએ કેટલીય જગ્યાઓએ દુર્ગાપુજા પંડાલો પર હુમલાઓ કર્યા એટલુ જ નહીં મંદિરોમાં પણ તોડફોડ કરાઇ હતી. આ દરમ્યાન હિન્દુઓને પણ નિશાન બનાવાયા હતા. આ હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા અને ૫૦૦ થી વધારે હિન્દુઓ ઘાયલ થયા છે.

ચોંકાવનારી વાત એ છે કે વડાપ્રધાન શેખ હસીનાની ચેતવણી પછી પણ હિન્દુઓ પર હુમલાઓ થઇ રહ્યા છે. શેખ હસીનાએ ચેતવણી આપતા કહ્યુ હતુ કે જે કોઇ પણ આ હુમલાઓમાં સામેલ છે.તેમને બક્ષવામાં નહીં આવે. તેઓ કયા ધર્મના છે તે વાતથી કોઇ ફરફ નથી પડવાનો.

(9:52 am IST)