Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

IPL -2020 : કોલકાતા નાઈટ્સ રાઈડર્સનો 8 વિકેટે પરાજય : મુંબઈએ 16.5 ઓવરમાં મેચ જીત્યો : સતત પાંચમો વિજય

રાહુલ ચહરે 2 વિકેટ લીધી: ક્વિન્ટન ડિકોકે 44 બોલમાં અણનમ 78 રન અને રોહિત શર્માએ 35 રન ફટકાર્યા

નવી દિલ્હી:  મુંબઈ ઇન્ડિન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલ મેચમાં મુંબઈએ કોલકાતાને 8 વિકેટ હરાવી સતત પાંચમી મેચ જીતી હતી. કોલકાતાએ મુંબઈને 149 રનનો લક્ષ્ય આપ્યો હતો. મુંબઈએ આસાન લક્ષ્ય 16.5 ઓવરમાં મેળવી લીધો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સે  ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી મેચમાં કોલકાતા નવા કેપ્ટન સાથે મેદાન પર ઉતરી હતી. જો કે ટીમના પ્રદર્શનમાં કોઇ ફેર પડ્યો નથી. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં તેની બે મહત્વપૂર્ણ વિકેટ પડી ગઇ હતી. ટીમે આજે ત્રિપાઠીને ટોપ ઓર્ડરમાં તક આપી હતી. જોકે તે તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યો અને 7 રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. જ્યારે નિતિશ રાણા પણ 5 રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. યુવા બેટ્સમેન શુભમન ગિલ સારા ફોર્મમાં હતો પરંતુ તેનો બેટ આજે ના ચાલ્યો અને 27ના અંગત સ્કોરે પવેલિયન પરત ફર્યો. દિનેશ કાર્તિકે બેટિંગ પર ધ્યાન આપવા માટે કેપ્ટનશીપ છોડી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો. તેણે ટીમ માટે માત્ર 4 રનનો યોગદાન આપ્યો હતો.

આન્દ્રે રસલ સિઝનમાં સતત નિષ્ફળ રહ્યો છે. આજની મેચમાં પણ તે કંઇ ખાસ ના કરી શક્યો અને 12 રન કરી આઉટ થયો. કેપ્ટન ઇયોન મોર્ગન અને પેટ કમિન્સની જોડીએ ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યો. પેટ કમિન્સે ટીમ માટે સૌથી વધુ 36 બોલમાં અણનમ 53 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગને 39 રનનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 148 રન કર્યા.

મુંબઈ ઇન્ડિયન્સના બોલરોએ આજની મેચમાં શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ટીમ તરફથી સૌથી વધુ વિકેટે રાહુલ ચહરે 2 વિકેટ લીધી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, કુલ્ટર નાઇલ અને બુમરાહે 1-1 વિકેટ લીધી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિન્સને 149 રનનો લક્ષ્ય આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકોકે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ટીમ તરફથી સૌથી વધુ રન 44 બોલમાં અણનમ 78 રન બનાવ્યા જ્યારે રોહિત શર્માએ 35 રન કરી આઉટ થયો હતો પરંતુ તે જીત નક્કી કરી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા મેદાને આવી માત્ર ઔપચારિકતા પૂરી કરી હતી. તેણે 11 બોલમાં અણનમ 21 રન કર્યા. મુંબઈએ 16.5 ઓવરમાં બે વિકેટના નુકશાને લક્ષ્ય મેળવી લીધો હતો.

કોલકાતાની સૌથી મોટી તકલીફ બોલિંગ છે. તેના બોલર્સ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. આજની મેચમાં વરુણ ચક્રવર્તી સિવાય બધા બોલર્સ ખર્ચાણ સાબિત થયા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપી એક વિકેટ ઝડપી હતી. જ્યારે શિવમ માવીએ પણ એક વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ બોલિંગમાં આજે ફરી નિષ્ફળ રહ્યો હતો.

(11:49 pm IST)