Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નવરાત્રિમાં આ વખતે 1962 બાદ પ્રથમ વખત સર્જાયો દુર્લભ સંયોગ : શનિવારે સવારે 9: 45 સુધી કરી શકાશે ઘટસ્થાપન

58 વર્ષ પછી શનિ, મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે: આ સંયોગ નવરાત્રિના પર્વને કલ્યાણકારી બનાવશે.

નવી દિલ્હીઃ આજે અધિક માસની સમાપ્તિની સાથે આદ્યશક્તિ મા દુર્ગાની ઉપાસનાનું પાવન પર્વ શરદ નવરાત્રિનો કાલે શનિવારે 17મી ઓક્ટોબરથીમંગલ પ્રારંભ થશે નવરાત્રિનો શુભારંભ આ વખતે દુર્લભ સંયોગની સાથે થશે. તેથી ગ્રહીય રીતે શરદ નવરાત્રિ શુભ અને કલ્યાણકારી હશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘરો, મંદિરોમાં વિધિવિધાનથી પૂજા કરીને ભક્ત મા ભગવતીના આશીર્વાદ મેળવી શકશે.

જ્યોતિષાચાર્ય ધર્મરાજ શાસ્ત્રી મુજબ આ વખતની શરદ નવરાત્રિમાં ગ્રહોના આધારે વિશેષ સંયોગ બની રહ્યો છે. 17મી ઓક્ટોબરના રોજ 58 વર્ષ પછી શનિ, મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ પહેલા આ સંયોગ 1962ના વર્ષમાં બન્યો હતો. આ સંયોગ નવરાત્રિના પર્વને કલ્યાણકારી બનાવશે.આમ નવરાત્રિનો પ્રારંભ 16મીઓક્ટોબરની રાત્રિએ 1.50 વાગ્યાથી શરૂ થઈ જશે. ઘટ સ્થાપનાના શુભ મૂહુર્ત સૂર્યોદયથી સવારે 9-45 સુધી રહેશે.

 

નવરાત્રિમાં કળશની સ્થાપનાની સાથે જ્વારા પણ ઉગાડવામાં આવે છે. માટીના કળશમાં જ્વારા ઉગાડવાની પરંપરા બધી જગ્યાએ હોય છે. નવરાત્રિ પૂરી થતા આ જ્વારાને પ્રવાહિત કરી દેવાય છે. આ જ્વારા વધતા મા ભગવતીની કૃપા થાય છે.

આ અંગે કહેવામાં આવે છે કે જવારા તેજીથી વધે છે તે ઘર પર માતાજીના આશીર્વાદ ઉતરે છે અને સુખસમૃદ્ધિ આવે છે. જ્વારાને રાખવાની યોગ્ય જગ્યા માતાજીની મૂર્તિની સમીપ છે. નવરાત્રિમાં તેને એટલા માટે વાવવામાં આવે છે, કેમકે સૃષ્ટિની શરૂઆતમાં આ જ પ્રથમ પાક હતો જે લેવાયો હતો. તેના ઉગવાથી કે ન ઉગવાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત તરીકે જોવાય છે.

જ્વારાને વાવવામાં આવે તો તે વાતનું ધ્યાન રાખવામાં આવે કે તેમને રોજ પૂજાના સમયે પાણી અપાય. માટીના કળશમાં જ આ જ્વારા વાવવામાં આવે. તેની સાથે તે વાતનું ધ્યાન રખાય કે જ્વારાને દક્ષિણ દિશામાં ન રખાય. આ દિશા યમની મનાય છે. તેથી આ દિશામાં ન તો કળશ રખાય ન તો જ્વારા વવાય. નવ દિવસ જ્વારા જ્યાં રાખ્યા છે ત્યાં તે જ સ્થિતિમાં સ્થાપિત રહેવા દે. નીકાળે નહી.

(7:57 pm IST)