Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બારાબંકીમાં દલિત બાળકી પર ખેતરમાં દુષ્કર્મ કરી હત્યા

ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવી ઘટના ફરી બની : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પપષ્ટી બાદ પોલીસે વધુ કલમો ઉમેરી, પરિવારની સીબીઆઈ તપાસની માગણી

લખનૌ, તા. ૧૬  : ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત મહિલા પર કથિત દુષ્કર્મ બાદ બારાબંકીમાં આ પ્રકારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અહીંના સતરિખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાંગરની લણણી કરવા ગયેલી ૧૫ વર્ષની દલિત યુવતીની દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. પીડિત પક્ષની ફરિયાદ પર અજાણ્યા સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાથરસ કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે, ત્યારે બારાબંકી કેસના આરોપીની શોધ હજી ચાલુ છે.

બારાબંકીના ગ્રામ પંચાયત સતરિખ ગામના સેઠમૌ ગામમાં રહેતી અનુસૂચિત જાતિ કિશોરીની હત્યાના કેસમાં પોલીસે તેના પિતાની ફરિયાદ પર બુધવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. દુષ્કર્મ બાદ કિશોરીની હત્યા કરવામાં આવી હતી. અહીં ડોકટરો અને વીડિયોગ્રાફીની પેનલમાં પોસ્ટમોર્ટમ કરીને દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે દુષ્કર્મની કલમ વધારી છે અને કસ્ટડીમાં રહેલા કેટલાક શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. ઘટના બાદ હાલમાં ગામમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈજી અયોધ્યા ડો. સંજીવ ગુપ્તાએ પણ આ ઘટના સથળની મુલાકાત લીધી હતી અને પરિવારના સભ્યોનું નિવેદન નોંધ્યું હતું. બારાબંકીમાં સગીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાના મામલાની પીડિતાના પરિવારજનોએ હાથરસ કેસની જેમ સીબીઆઈ તપાસની માગ કરી છે. મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે પોલીસે અહીં અમારા પર ખૂબ દબાણ કર્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે તે પૂર્વે પોલીસે તેની પુત્રીનો અંતિમ સંસ્કાર ગામમાં જ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી પુત્રી સગીર અને કુંવારી હતી, અમે તેને દફનાવવા માંગતા હતા, પરંતુ પોલીસે દબાણ  કરીને તેની ચિતાને આગ લગાવડાવી દીધી હતી.

          તેઓએ અમને પૈસા અને મકાનની લાલચ પણ આપી હતી. અમે ખૂબ ગરીબ છીએ, ન તો રહેવાની જગ્યા છે અને ન ખાવાના પૈસા છે. અમે એવા લોકો છીએ જે સખત મહેનત અને મજૂરી કરીએ છીએ. અમારી પાસે મોટા ધિકારીઓ આવવા લાગ્યા તો અમે ડરી ગયા. અમને પૈસા અને મકાનની લાલચ આપવામાં આવી. દુષ્કર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો હોવા જોઈએ. હવે પોલીસ આરોપીઓને પકડવાના બદલે અમારા ઘરના લોકોની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ સતત અમારા ભાઇના ઘરે પણ આવી રહી છે. અમને ન્યાય મળે બસ અમે એમ જ ઈચ્છીએ છીએ. પોલીસ શરૂઆતમાં આ કેસને દબાવતી હતી, પરંતુ ગુરુવારે મોડી સાંજે આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. માતા-પિતાએ જણાવ્યું હતું કે માત્ર મૃતદેહને બાળી નાખવા માટે, પોલીસ અમારી સગીર પુત્રીને પુખ્ત ગણાવવાનો પ્રયાસ કરી રહી  છે.

આ વિસ્તારના એક ગામની રહેવાસી ૧૭ વર્ષીય કિશોરી બુધવારે ડાંગરના ખેતરમાં ડાંગર લણવા ગઈ હતી. મોડી સાંજે તેનો મૃતદેહ ખેતરમાં પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે કિશોરીના હાથ અને પગ બાંધેલા હતા અને કપડા અસ્ત વ્યસ્ત હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગુરુવારે કિશોરીના પોસ્ટમોર્ટમમાં કિશોરી સાથેની ક્રૂરતાની પુષ્ટિ થઈ હતી. આ ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. અહેવાલમાં મોઢું દબાવીને મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે પુરાવાઓનું સંકલન કર્યું. ઇન્ચાર્જ એસપી આર એસ ગૌતમે જણાવ્યું હતું કે દુષ્કર્મની પુષ્ટિ થયા બાદ કલમોમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઘટનામાં રાજકીય પક્ષો પણ સક્રિય હતા. ઝૈદપુરના સપા ધારાસભ્ય ગૌરવ રાવત અને કોંગ્રેસના નેતા તનુજ પુનિયા સમર્થકો સાથે પોસ્ટમોર્ટમ હાઉસ અને ગામ પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. સપાના ધારાસભ્યએ વહીવટ પર આરોપ લગાવ્યો છે કે પીડિતોને પોસ્ટ મોર્ટમ ગૃહમાં આવતાં રોકાયા હતા. ભીમ આર્મીના અધિકારીઓ પણ પીએમ હાઉસ પહોંચ્યા હતા.

(7:43 pm IST)