Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પરથી મસ્જિદ હટાવવાની અરજી સ્વીકારી: 18મી નવેમ્બએ આગામી સુનાવણી

17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદ કૃષ્ણના જન્મસ્થળના વિસ્તારમાં બનેલી અને તે હિસ્સો 13 એકરમાં ફેલાયેલા કટરા કેશવ મંદિરનો છે તેવી અરજી

મથુરાઃ મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પરથી મસ્જિદ હટાવવાની અરજી સ્વીકારી છે ગયા મહિને મથુરાની સિવિલ કોર્ટે ઇદગાહ મસ્જિદને દૂર કરવાની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિ સંકુલની જગ્યામાં છે. મથુરા કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સાધના રાની ઠાકુરે શુક્રવારે અપીલ સ્વીકારી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 18મી નવેમ્બરે થશે.

લોકોનું એક જૂથ મથુરા કોર્ટમાં ગયુ છે અને તેણે જણાવ્યું છે કે 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદ કૃષ્ણના જન્મસ્થળના વિસ્તારમાં બનેલી છે, વાસ્તવમાં તે હિસ્સો 13 એકરમાં ફેલાયેલા કટરા કેશવ મંદિરનો છે.

અગાઉની અરજી સિનિયર સિવિલ જજ છાયા શર્માની કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી અને તેમા 1968નો મથુરા કોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ કરવામાં આવી હતી, આ ચુકાદામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઇદગાહ મેનેજમેન્ટ કમિટી અંગેના ડીલને સુધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગયા મહિને આ કેસ બાળ ભગવાન શ્રીકૃષ્ણા વિરાજમાન વતી “નેકસ્ટ ફ્રેન્ડ” તરીકે રંજના અગ્નિહોત્રી અને બીજા સાત જણા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. “નેકસ્ટ ફ્રેન્ડ”ને કાયદાકીય પરિભાષામાં તેવી વ્યક્તિ કહેવાય જે વ્યક્તિ અરજી માટે હાજર રહેવા અસમર્થ હોય તેનું પ્રતિનિધિત્વ કરતો વ્યક્તિ. આ કેસમાં પ્રતિવાદી તરીકે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટ, શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન છે, એમ જૈને જણાવ્યું હતું.પણ આ રીતે શાહી ઇદગાહ મસ્જિદ દૂર કરવાની અરજીને પૂજારીઓના બીજા જૂથે વખોડી કાઢી છે. અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના પ્રમુખ મહેશ પાઠકે જણાવ્યું હતું કે કેટલાક બહારના લોકો કારણ વગર મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવીને મથુરાની શાંતિને હણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

20મી સદીમાં શાહી ઇદગાહ મેનેજમેન્ટ અને શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન વચ્ચે થયેલી સમજૂતી પછી હવે આ અંગે કોઈ વિવાદ નથી, એમ તેમણે જણાવ્યું હતું. 1991નો ધ પ્લેસીસ ઓફ વરશિપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટમાં સ્વતંત્રતા સમયના ધાર્મિક સ્થળોનો દરજ્જો જેમ છે તેમ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ફક્ત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને જ આ કાયદામાંથી રાહત આપવામાં આવી હતી.

(6:56 pm IST)