Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોંગ્રેસે પ્રણબદાના પુત્રને મોટી જવાબદારી આપી :અભિજીતને ઈલેક્શન કમિટીના ચેરમેન બનાવાયા

અભિજીત મુખરજી પણ ભાજપના રડારમાં હતા : કોંગ્રેસે પાણી પહેલા પાળ બાંધી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને વરસ બાકી છે છતાં  તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ પૂરી તાકાતથી મચી પડયાં છે. બંનેની તૈયારી જોઈને કોંગ્રેસે પણ કમર કસીને નવી ટીમને મેદાનમાં ઉતારી છે. કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણબ મુખજીના પુત્ર અભિજીત મુખરજીને મોટી જવાબદારી સોંપી છે  કોંગ્રેસે અભિજીતને ઈલેક્શન કમિટીના ચેરમેન બનાવાયા છે. આ કમિટી વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તેનો નિર્ણય લેશે.

  મુખરજી કોંગ્રેસમાં લાંબા સમયથી સક્રિય છે અને તેમના પિતાના કારણે ધારાસભ્ય તથા સાંસદ બન્યા પણ કોંગ્રેસ સંગઠનમાં તેમને પહેલાં કદી મહત્વની જગા નહોતી મળી. પહેલી વાર તેમને મોટી જવાબદારી અપાઈ તેના કારણે કોંગ્રેસમાં આશ્ચર્ય છે.

વિશ્લેષકોના મતે, કોંગ્રેસે પાણી પહેલાં પાળ બાંધી છે. બંગાળમાં જીતવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યો છે અને પોતાને ફાયદો કરાવે એવા તમામ નેતાને ખેંચી રહ્યો છે. અભિજીત મુખરજી પણ ભાજપના રડારમાં છે જ તેથી ભાજપ ખેંચી ના જાય એટલે કોગ્રેસે તેમને મહત્વનો હોદ્દો આપીને રાજી કરી દીધા છે.

(6:51 pm IST)