Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

૨૦૨૧ના જાન્યુઆરી સુધીમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશેઃ કોંગ્રેસ કારોબારી સમિતિની ચૂંટણી પણ યોજાશે

હાલ પક્ષમાં એ માટે મનોમંથન થઇ રહ્યું હોવાનો દાવો

નવી દિલ્હી, તા.૧૬: ૨૦૨૧ના જાન્યુઆરીમાં કોંગ્રેસ પક્ષને નવા અધ્યક્ષ મળી જશે એવું કોંગ્રેસના વિશ્વાસપાત્ર સૂત્રે જણાવ્યું હતું. આ સૂત્રે એવો દાવો પણ કર્યો હતો કે પક્ષની કારોબારી સમિતિની ચૂટણી પણ કરવામાં આવશે જેથી કોઇને આ બાબતમાં ફરિયાદ ન રહે.

અત્યારે જે રીતે તૈયારી ચાલી રહી હતી એ કાર્યક્રમ મુજબ બધું આગળ વધશે તો કારોબારી સમિતિની ચૂંટણી પણ એક મહિનામાં કરી લેવામાં આવશે. કોંગ્રેસ પક્ષમાં છેલ્લે ૧૯૯૭માં કારોબારી સમિતિની ચૂંટણી થઇ હતી જયારે સીતારામ કેસરી પક્ષ પ્રમુખ હતા. પક્ષના ૧૨૦૦ સભ્યો કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી કરશે.

થોડા સમય પહેલાં શશી થરુર, કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ વગેરે ૨૩ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને જે ફરિયાદો કરી હતી તેમાં પક્ષને કાયમી પ્રમુખ અને ચૂંટાયેલી કારોબારી સમિતિ આપવાની માગણીનો પણ સમાવેશ થયો હતો. આ પત્રમાં એવો પણ ઉલ્લેખ હતો કે ૨૦૧૪ પછી પક્ષ કોઇ મોટી ચૂંટણીમાં વિજેતા થયો નથી. ઊલટું પક્ષ દિવસે દિવસે શાખ ગુમાવી રહ્યો હતો. પક્ષને કાયમી પ્રમખની તાતી જરૂર હતી.  પત્ર લેખકોમાં પાંચ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, કોંગ્રેસ કારોબારીના કેટલાક સભ્યો, કેટલાક વર્તમાન સાંસદો અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનોનો સમાવેશ થયો હતો.  આ સૂત્રે જણાવ્યા મુજબ નવેંબરના અંત સુધીમાં ચૂંટણીના કાર્યક્રમની વિગત જાહેર કરી દેવામાં આવશે.

(3:57 pm IST)