Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ૧૨ ચૂંટણી રેલીને સંબોધન કરશે

બિહારમાં ભાજપ-જેડીયુનું પ્રચાર અભિયાન જોરમાં : તમામ રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, રેલીમાં લોકોને ફરજિયાત માસ્ક સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાશે

પટણા,તા.૧૬   બિહાર ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરોસે એનડીએની નૈયા પાર થવાની આશા છે. આ વખતે ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ૧૨ રેલી કરવાના છે. જે ફક્ત ભાજપ માટે જ નહીં પરંતુ આખા એનડીએ માટે હશે. આ દરમિયાન મંચ પર સીએમ નીતિશકુમાર પણ હાજર રહેશે. પટણામાં એનડીએ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપવામાં આવી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી તમામ રેલીઓ એનડીએ માટે રહેશે. તેમની સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહેશે. જ્યાં સીએમ નીતિશકુમાર નહીં હોય ત્યાં તેમના પક્ષના નેતા હાજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદી ૧૨ રેલીઓ કરશે. ૨૩ ઓક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓ હશે. ૨૮ ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરનગર અને પટણામાં રેલીઓ કરશે. એક નવેમ્બરે છપરા, પૂર્વ ચંપારણ અને સમસ્તીપુરમાં રેલીઓને સંબોધશે. ૩ નવેમ્બરે પશ્ચિમી ચંપારણ, સહરસા અને ફારબિસગંજમાં રેલીઓ કરશે.

             એનડીએની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, રવિશંકર પ્રસાદ, મંગલ પાડે, જેડીયુમાંથી સંજય ઝા, હમમાંથી દાનિશ રિઝવાન અને વીઆઈપીના પ્રવક્તા હાજર રહ્યા. ભાજપના નેતા મંગલ પાંડેએ કહ્યું કે ભાજપ તરફથી રિપોર્ટ કાર્ડ  બહાર પાડવામાં આવ્યુ. કેન્દ્ર અને રાજ્ય સરકારના કામોનો રિપોર્ટ કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો. રિપોર્ટ કાર્ડ લઈને અમારા કાર્યકરો લોકો વચ્ચે જઈ રહ્યા છે. એનડીએની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બિહાર ચૂંટણીનો મુદ્દો બહુ સ્પષ્ટ છે. અમારો એજન્ડા ફક્ત વિકાસનો છે. એકબાજુ જનતાના વિકાસની જવાબદારીવાળા છે જ્યારે બીજી બાજુ પરિવારની જાગીર બનાવનારા છે. આરજેડીમાં પેઢી દર પેઢી પરિવાર ચાલતો આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશકુમારે કામ કર્યું છે. હવે પટણાથી સમગ્ર બિહારમાં ક્યાંય પણ છ કલાકમાં જઈ શકાય છે. દરેક ઘરે વીજળી પહોંચી ગઈ છે. જ્યારે આરજેડી નેતા પોતાના વારસાને ભૂલાવવામાં લાગ્યા છે. વારસાની યાદ અપાવીશું તો અપહરણ, લૂંટ અને ભ્રષ્ટાચારની યાદ આવશે. આરજેડીનો જન્મ લાલુના ભ્રષ્ટાચારને બચાવવા માટે થયો હ તો. ત્યારે જનતા દળના નેતા હતા, મુખ્યમંત્રી હતા, જ્યારે રાજીનામાનું દબાણ વધ્યું તો આરજેડી બનાવી લીધી. આવા લોકો બિહારના વિકાસની વાતો કરે છે.

(7:40 pm IST)