Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

'મૌનમોહન' કહેનારા લોકોને ઝટકો

મોદી સંસદમાં મનમોહન સિંહ અને દેવગૌડા કરતા પણ ઓછું બોલ્યાં

મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તત્કાલીન પીએમ મનમોહન સિંહને મૌન મોહન કહેતા હતાઃ જોકે હવે પીએમ મોદીએ સંસદને કેટલીવાર સંબોધિત કરી તેના પર અહેવાલ સામે આવ્યો છે : છ વર્ષમાં સંસદમાં પીએમ મોદીએ ૨૨ વાર કર્યુ સંબોધન : દસ વર્ષના કાર્યકાળમાં મનમોહન સિંહે ૪૮ વાર કર્યુ સંબોધન : માત્ર બે વર્ષ સુધી પદ પર રહેનાર એચડી દેવગૌડાએ પીએમ મોદી કરતા વધારે સંબોધન કર્યુ

નવી દિલ્હી, તા.૧૬: પીએમ મોદી દ્વારા સંસદમાં સંબોધનને લઈને એક અહેવાલ સામે આવ્યો છે. ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર પીએમ મોદીએ છ વર્ષના કાર્યકાળમાં સંસદને માત્ર ૨૨ વાર જ સંબોધિત કરી છે. અહી ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દસ વર્ષના કાર્યકાળમાં સંસદને ૪૮ વાર સંબોધિત કરી છે.

આ અહેવાલ અનુસાર છ વર્ષના કાર્યકાળમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ૭૭ વાર સંસદમાં પોતાનું સંબોધન કર્યું હતું જયારે માત્ર બે વર્ષ સુધી પદ પર રહેનાર એચ ડી દેવગૌડાએ પણ પીએમ મોદી કરતા વધારે વખત સંસદમાં સંબોધન કર્યું છે.

જોકે લોકો સાથે સીધા સંવાદ કરવાના મામલે નરેન્દ્રભાઇ મોદી આગળ છે. વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અને મન કી બાત કાર્યક્રમ દ્વારા પીએમ મોદી જનતા સાથે સીધો સંવાદ કરે છે. પીએમ મોદી પોતે પણ સીધા જ સંવાદમાં વધારે વિશ્વાસ રાખે છે.

(3:48 pm IST)