Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

લોકડાઉનમાં નોકરી ગુમાવનારાને ESIC અડધો પગાર આપશે

નોકરી ગુમાવનારાઓ માટે સારા સમાચાર : જે લોકોને હાલ નોકરી મળી ચૂકી છે કે જૂની નોકરી શરૂ થઇ ગઇ છે તેમને પણ આ યોજનાનો લાભ અપાશે

નવી દિલ્હી,તા.૧૬: કેન્દ્ર સરકાર અટલ બીમીત વ્યક્તિ કલ્યાણ યોજના શરુ કરવા જઈ રહી છે. જેના હેઠળ ઈએસઆઈસીમાં નોંધાયેલા વ્યક્તિની લોકડાઉન દરમિયાન નોકરી ગઈ હશે તો તેને પગારના ૫૦ ટકા જેટલી રકમ અપાશે. નોકરી ગુમાવનાર વ્યક્તિ વધુમાં વધુ ત્રણ મહિનાના પગારની અડધી રકમનો આ યોજનામાં દાવો કરી શકે છે. વળી, જેમને હાલ નોકરી મળી ચૂકી છે કે શરુ થઈ ગઈ છે, તેમને પણ તેનો લાભ મળવા પાત્ર છે. શુક્રવારે ઈએસઆઈસી આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને તેના માટે ૪૪,૦૦૦ કરોડ રુપિયા જેટલી રકમ ફાળવશે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હજુ આ યોજનાને ધાર્યો પ્રતિસાદ નથી મળ્યો. વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે સરકાર એડ કેમ્પેઈન શરુ કરવા માટે પણ વિચારી રહી છે. લોકડાઉન દરમિયાન લાખો શ્રમિકોને કામકાજ બંધ થઈ જતાં પોતાના વતન રવાના થવું પડ્યું હતું.

તે વખતે આવા લોકોની મદદ માટે સરકારે કોઈ પગલાં ના લીધા હોવાના પણ આક્ષેપ થયા હતા. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ રુબરુમાં દસ્તાવેજ જમા કરાવવા પડશે, કારણકે તેઓના આધાર કાર્ડ લિંક નથી થયેલા. જે લોકો ડિસેમ્બર સુધીમાં નોકરી ગુમાવે તેવી શક્યતા છે, તેઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. લોકડાઉનને કારણે થયેલા નુક્સાનને ધ્યાનમાં રાખી સરકારે ઈએસઆઈસીનો લાભ લેવાની લાયકાતમાં પણ ઘટાડો કર્યો છે. યોજના હેઠળ જે કર્મચારીને લાભ આપવાનો છે, તેના માટેની પ્રક્રિયા નોકરીદાતા મારફતે જ થઈ શકે તેવો અગાઉ નિયમ હતો. જેમાં છૂટછાટ આપતા હવે ઈએસઆઈસીની કોઈપણ બ્રાંચ ઓફિસે રુબરુ જઈને પણ ફોર્મ ભરી શકાશે તેવું સરકાર દ્વારા જણાવાયું છે. ઈએસઆઈસી સર્વિસમાં ૩.૪ કરોડ પરિવારોને મેડિકલ ઈન્શ્યોરન્સ હેઠળ આવરી લેવાય છે, અને ૧૩.૫ કરોડ લોકો તેના રોકડ લાભ મેળવનારા લોકોની સંખ્યા ૧૩.૫ કરોડ જેટલી થાય છે. સામાજીક સુરક્ષાના નવા કાયદા હેઠળ સરકારે ઈએસઆઈસી સર્વિસને દેશના તમામ ૭૪૦ જિલ્લામાં વિસ્તારવાનો નિર્ણય લીધો છે.

(3:03 pm IST)