Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નવરાત્રીની ઉજવણી માટે શહેર પોલીસે જાહેર કર્યા ૧૯ નિયમો

સોસાયટી કે ફલેટમાં પૂજા-આરતી માટે પરમિશન નહીં લેવી પડે

ફલેટ-સોસાયટીના રહેવાસીઓનેમાતાજીની પૂજા-આરતી માટે મંજૂરીની જરૂર નથીઃ જાહેર સ્થળો, માર્ગો, સાર્વજનિક જગ્યામાં આયોજન હોય તો મંજૂરી લેવી પડશે : રેસ્ટોરન્ટ-ભોજનાલયો રાત્રીના ૧૧ સુધી ખુલ્લા રાખી શકાશેઃ શહેરીજનોને કોરોના સંક્રમણ અટકાવવા સહકાર આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ : પોલીસને જાણ કરેલ દર્શનાથીઓની સંખ્યા કરતાં વધુ સંખ્યામાં દર્શનાથીઓ આવે તો આયોજકોની જવાબદારી રહેશે : માત્ર આરતીની મંજૂરી અપાશેઃ એ સિવાય ગરબા કે અન્ય કોઈપણ પ્રવૃતિ થશે તો પણ આયોજક જવાબદાર

રાજકોટ તા. ૧૬: કોરોના મહામારીને કારણે આ વખતે નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના આયોજનો મુલત્વી રહ્યા છે. રાજ્ય સરકારે નવરાત્રી ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવરાત્રીની ઉજવણીમાં લોકોએ કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે? તેની વિગતો અહિ  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આપી છે અને તે મુજબ નિયમોનું પાલન કરવા શહેરની જનતાને અનુરોધ કર્યો છે. કુલ ૧૯ નિયમોનું લોકોને ફરજીયાત પાલન કરવાનું રહે છે. આ નિયમો આ મુજબના છે.

(૧) નવરાત્રી દરમિયાન ફલેટ કે સોસાયટીના રહીશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઈસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે નહી પરંતુ જાહેર સ્થળો,માર્ગો અને સાર્વજનીક સ્થાનોમાં માતાજીની પુજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની રહશે.

(૨) નવરાત્રીની ઉજવણી માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.

(૩) શહેરમાં જાહેરમાં કે શેરીમાં કોઈ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી, માત્ર આરતી કરવા માટે મજૂરી આપેલ છે.

(૪) આરતીના આયોજકોએ પોતાના આયોજનની તમામ વિગતો જેવી કે જગ્યાનું માપ, હાજર રહેનારા માણસોની સંખ્યા, બેસવાની વ્યવસ્થા વિગેરે વિગતો સાથે પોતાના સ્થાનીક પોલીસ સ્ટેશનને લેખિતમાં જાણ કરવાની રહેશે.

(૫) આરતી માટે એક કલાકની સમય મર્યાદા છે, એ વાતની નોંધ રાખવાની રહેશે કે માત્ર આરતીની મંજૂરી આપવામાં આવેલ છે. જેથી આરતી સિવાયના ગરબા કે અન્ય કોઈપણ પ્રવૃતિ થશે તો આ બાબતની જવાબદારી આયોજકોની રહેશે.

(૬) આયોજનની જગ્યાને ધ્યાનમાં રાખી નિશ્ચિત સંખ્યામાં લોકોને એકત્રીત થવાની મજૂરી છે. જો જગ્યા મોટી હોય તો વધુમાં વધુ ૨૦૦ લોકોની મર્યાદા છે.

(૭) માતાજીની આરતી સ્થાપન/મુર્તિ/ફોટાને દર્શનાથીઓ સ્પર્શ કરે નહી અને યોગ્ય ડીસ્ટન્સથી દર્શન કરે તે સુનિશ્ચિત કરવું. આ માટે સ્થાપનની ફરતે પ્રોપર બેરીકેટિંગ કરવું.

(૮) આરતી સ્થળે દર્શનાથીઓ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ઉભા રહે અથવા બેસી શકે તે રીતે પ્રોપર ૬ ફૂટે કુંડાળા દોરી સુવ્યવસ્થિત આયોજન કરવાનું રહેશે.

(૯) આરતી સ્થળે છૂટક પ્રસાદ આપી શકાશે નહીં તેના સ્થાને અગાઉથી તૈયાર કરેલ ફકત પેકેટમાં ખુલ્લી જગ્યામાં પ્રસાદ વિતરણ કરી શકાશે, પ્રસાદ વિતરણ કરનારે ફરજીયાત પણે હાથના મોજા-હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. તેમજ વિતરણ સ્થળે પણ સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાય રહે તે ખાસ જોવું.

(૧૦) સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પૂજા, આરતીમાં ભાગ લેનાર તમામ લોકો માસ્ક પહેરે તે ફરજીયાત છે.

(૧૧) કાર્યક્રમના સ્થળે હેન્ડવોશ/સેનેટાઇઝર / થર્મલ સ્કેનિંગ ગનની સુવિધા ફરજીયાત રાખવાની રહેશે.

(૧૨) કાર્યક્રમ સ્થળ, ખુરશીઓ, માઇક વિગેરે વસ્તુઓને સમયાંતરે સેનેટાઇઝ કરાવવાના રહેશે.

(૧૩) કાર્યક્રમ દરમ્યાન જાહેરમાં થુંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

(૧૪) આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ છે.

(૧૫) પોલીસને જાણ કરેલ દર્શનાથીઓની સંખ્યા કરતાં વધુ સંખ્યામાં દર્શનાથીઓ આવે તો આયોજકોની જવાબદારી રહેશે.

(૧૬) ૬૫ થી વધુ વયના વયસ્ક નાગરીકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યકિતઓ આ પ્રકારના સમારોહમાં ભાગ ન લે તેમજ ગરબા, દુર્ગા પૂજા જેવા તહેવારો સબંધિત ધાર્મિક પૂજા ઘરમાં જ રહીને પરીવારના સભ્યો સાથે રહીને કરે તે સલાહભર્યું છે.

(૧૭) કાર્યક્રમના સ્થળે જ ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા નહિ રાખતા આ સ્થળથી થોડા દૂરની જગ્યાએ રાખી શકાશે, જયાં એક સમયે ૫૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત ન થાય અને બેઠક વ્યવસ્થા દરમ્યાન વ્યકિત-વ્યકિત વચ્ચે ૬ ફુટનું અંતર જળવાય રહે તે સુનિશ્ચિત કરવું.

(૧૮) વિજયાદશમીની ઉજવણી દરમિયાન મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્રમો જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

(૧૯) નવરાત્રીના કાર્યક્રમ દરમિયાન આયોજકો/ સ્થળ સંચાલકોને કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા માટે 'આટલું કરશો અને આટલું ન કરશો' તેવી સૂચનાઓ નાગરીકો વાંચી શકે, તે રીતે જાહેરમાં બોર્ડ લગાવના રહેશે.

અનલોક-૫ દરમ્યાન રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમા ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નકકી કરવામા આવે તે જગ્યાઓએ વેપાર કરી શકશે, હોટલો અને અન્ય રહેવાની સગવડ વાળી જગ્યાઓ તેમજ શોપીંગ મોલ્સ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૦૮ જૂન ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલ એસ.ઓ.પી પ્રમાણે સોશીયલ ડીસ્ટન્સ સાથે ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટો/ભોજનાલયો રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે જેમાં ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૦૮ જૂન ૨૦૨૦ દ્વારા બહાર પાડેલએસ.ઓ.પી નાં નિયમોનું પાલન કરવાનું રહેશે.

બાકીન ટુવ્હીલરમાં બે લોકો, રિક્ષામાં, કાર, કેબ્સમાં અગાઉના નિયમો રાબેતા મુજબ રહેશે. ૬૫ વર્ષથી વધુ ઉમરની વ્યકિતઓ, સગર્ભા બહેનો, ૧૦ વર્ષથી નીચેના બાળકો તેમજ બીમાર વ્યકિતઓએ તબીબી કારણ ન હોય તો ઘરે રહેવા માટે સલાહ અપઇ છે.

જાહેર સ્થળોએ થુંકવું નહિ તેમજ માસ્ક ફરજીયાત પહેરીને નીકળવા અને અનલોક-૪ની જેમ પોલીસને સહકાર આપવા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા શહેરની જનતાને અનુરોધ કરાયો છે.

(2:57 pm IST)