Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

હરિયાણાના એક અજબ ચોરની ગજબ કહાની

૧૬ ગર્લફ્રેન્ડના શોખ પુરા કરવા ચોરી BMW, મર્સીડીજ જેવી ૫૦ જેટલી કાર : આખરે પકડાયો

રોહતક,તા.૧૬ : કલ્પના કરો કે કોઈ વ્યકિતની એક-બે નહીં પરંતુ ૧૬ ગર્લફ્રેન્ડ હોય તો? આ વાત સાંભળવામાં જ તમને વિચિત્ર લાગશે પરંતુ આવું હકીકતમાં બન્યું છે. લકઝરી લાઈફ જીવતા એક યુવક માટે પોતાની ૧૬ ગર્લફ્રેન્ડના ખર્ચા મહેનત કરીને ઉઠાવવા મુશ્કેલ બની ગયા. તો શરૂઆતમાં તેણે નાની-મોટી ચોરી કરવાનું શરૂ કર્યું. પરંતુ તેનાથી પણ કામ નહોતું ચાલી રહ્યું. એવામાં તેણે વધુ પૈસા મેળવવા લકઝરી કારની ચોરી શરૂ કરી. આ ચોર લકઝરી કારને પળવારમાં ચોરી કરી લેતો. બાદમાં આ કાર્સને મણિપુર અને નાગાલેન્ડમાં વેચી દીધી, પરંતુ એક ભૂલના કારણે તે ફરીદાબાદ પોલીસના હાથમાં આવી ગયો. પોલીસ તેને રિમાન્ડ પર લઈ ગઈ અને પૂછપરછમાં તેણે ચોરીના ઘણા મામલાનો ખુલાસો કર્યો.

કવિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નાગેન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, મુખ્ય આરોપી રોબિનની ફરીદાબાદ પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ પર તેની પૂછપરછ કરવામાં આવી તો બાગપતના શાહનવાઝની ધરપકડ કરવામાં આવી. તેણે ૫ લાખ રૂપિયામાં રોબિન પાસેથી ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. પૂછપરછમાં રોબિને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યુ કે તે ૨૦૦૭થી ચોરી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં જગુઆર, મર્સિડિસ, બીએમડબ્લ્યૂ, ફોર્ચ્યુનર સહિત ૫૦થી વધારે લકઝરી કાર ચોરી ચૂકયો છે. મણિપુર અને નાગાલેન્ડમાં આ કારને વેચવાની વાત પણ કબૂલી છે. આરોપીએ જણાવ્યું કે તે પહેલા પણ ઘણીવાર પકડાયો છે, પરંતુ ચોરીની આદત નહોતી છોડી.

પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, માર્કેટમાં આવનારી ડિમાન્ડ પરની લકઝરી કારો પર તે વધારે હાથ સાફ કરતો હતો. એક કારને ખોલવામાં તે ૧૦ મિનિટનો સમય લેતો હતો. આ તમામ દ્યટનાઓને તે સવારના સમયે અંજામ આપતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે, આરોપીના માથા પર વાળ નથી. એવામાં તે દરેક વખતે અલગ-અલગ વિગ લગાવીને વેશ પલટો કરી ચોરી કરતો હતો. આરોપી જયારે પણ ચોરી કરવા જતો હતો લકઝરી કારની જ ચોરી કરતો હતો. તે માત્ર ૧૨ ધોરણ પાસ છે.

પોલીસ સામે સૌથી મોટી સમસ્યા રોબિનને ટ્રેસ કરવાની હતી. સર્વિલાન્સ કામ નહોતું કરી રહ્યું. તે ઓસ્ટ્રેલિયા, દુબઈ અને કેનેડાના નંબરોથી વાત કરતો હતો. પોતાની ૧૬ ગર્લફ્રેન્ડનો ખર્ચ ઉઠાવવા માટે તે ચોરી કરતો હતો. પોલીસ રોબિનની પૂછપરછ કરીને અન્ય મામલામાં પણ તેની સંડોવણીની તપાસ કરી રહી છે.

(12:54 pm IST)