Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બિહારની ચુંટણીમાં ૧૦૬૬ ઉમેદવારમાંથી ૩૧૯ કલંકિત

ગુરૂઆ બેઠક પર ૧૯ માંથી ૧૦ સામે ગુનાહિત કેસ

પટણા,તા.૧૬: ભોજપુર જીલ્લાની દિનારા વિધાનસભા બેઠક પર ૧૯ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે જેમાં ૯ સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. દિનારામાં પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાની ચુંટણીમાં ગુનાહિત કેસોની પાઘડી પહેરીને ફરી રહેલા સૌથી વધુ ઉમેદવાર ગુરૂઆ વિધાનસભા બેઠક પર છે. અહીં ૧૦ ઉમેદવારો ગુનાહિત છબીવાળા છે.

પહેલા તબક્કામાં જ ૩૦ ટકા ઉમેદવારો એવા છે જેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. પહેલા તબક્કામાં ૭૧ બેઠકોની ચુંટણી થવાની છે. આ તબક્કામાં ૧૦૬૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ૩૧૯ સામે ગુનાહિત કેસો છે. બાંકા, શેખપુર અને શાહપુરામાં આઠ-આઠ  ઉમેદવારો પર કેસ ચાલી રહ્યા છે. સુલ્તાનગંજ, કટોરીયા, મોહનીયા, બારાચટ્ટી અને જમુઇના મતદારો નસીબદાર છે, આ પાંચ બેઠકો પર એક-એક ઉમેદવાર જ કલંકિત છે.

જ્દયએ અને ગોપાલગંજના કુચાયકોટમાં બાહુબલી અમરેન્દ્ર પાંડે ઉર્ફે પપ્પુ પાંડેને ઉમેદવાર બનાવ્યો છે. પક્ષે બાહુબલી બોગોસીંહને પણ ઉમેદવાર બનાવવામાં કોઇ છોછ નથી રાખ્યોે આવી જ હાલત રાજદની પણ છે. થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટેલ રીતલાલ રાય ઉર્ફે રીતલાલ યાદવને રાજદએ દાનાપુરનો ઉમેદવાર બનાવ્યો છે, આ મોકામાં બાહુબલી અનંત સિંહને ટીકીટ આપી છે. આ પક્ષે તો પોતાની ઓફીશ્યલ વેબસાઇટ પર પોતાના ૩૮ ઉમેદવારોની માહિતી આપી છે. જેના સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે તો લોજપાએ બહમપુરમાં બાહુબલી હુલાસ પાંડેને મેદાનમાં ઉતાર્યો છે, જ્યારે તેનો મોટોભાઇ સુનીલ પાંડે લોજપા છોડી અપક્ષ તરીકે તરારીમાં લડી રહ્યો છે.

ચુંટણી પંચ અને સુપ્રીમ કોર્ટની તમામ કોશીષો છતાં બિહારના રાજકારણમાંથી અપરાધિક પૃષ્ઠભૂમિ વાળા લોકો ઓછા નથી થયા. પોતપોતાની રાજકીય જમીન બચાવવા માટે બધા રાજકીય પક્ષોએ બાહુબલીઓનો સહારો લીધો છે. રાજ્યનો ભાગ્યે જ કોઇ વિધાનસભા મત વિસ્તાર એવો છે, જ્યાં આવા બાહુબલી ચુંટણીને પ્રભાવિત કરવાની હેસીયત ન ધરાવતા હોય, ચુંટણી જીતવા મોટાભાગના પક્ષોએ આવા સ્થાનિક ગુંડાઓ અથવા તેમના સગાઓને ઉમેદવાર બનાવ્યા છે.

(12:52 pm IST)