Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

જાપાન આક્રમકઃ ચીનને ટક્કર આપવા 3200 ટનની જંગી સબમરીન લોન્ચ કરી

276 ફીટ લાંબી છે, 30 ફીટની ગોળાઈ ધરાવતી સબમરીન મિત્સુબિશી કંપનીએ તૈયાર કરી

નવી દિલ્હી :  ચીન સામે લડી લેવા માટે જાપાન અને અમેરિકા બન્ને દેશો પ્રતિબદ્ધ છે. જાપાને આજે મક્કમતા દર્શાવવા માટે 3200 ટન વજનની કદાવર સબમરિન લૉન્ચ કરી હતી. આ સબમરિન કાર્યરત થતા થોડો સમય લાગશે. પરંતુ જાપાને સબમરિન તૈયાર કરી એ તેની આક્રમતા દર્શાવે છે. બાકી તો બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને મોટાં શસ્ત્રોનું ઉત્પાદન સાવ ઓછું કરી નાખ્યું હતું. જાપાનની આ સબમરિન લિથિયમ આયન (મોબાઈલમાં વપરાય એવી) બેટરી સંચાલિત છે. જાપાન દુનિયાનો એવો પહેલો દેશ છે, જે લિથિયમ બેટરી પર સબમરિન ચલાવશે.

અમેરિકાએ ચીનને આકરો સંદેશો આપવા પોતાના યુદ્ધજહાજો તાઈવાનની ખાડીમાં મોકલ્યા હતા. તાઈવાનની ખાડી નામ પ્રમાણેે તાઈવાન અને ચીન વચ્ચે છે. તાઈવાનની ખાડી સરેરાશ 100 કિલોમીટર પહોળી છે.તેની વચ્ચેથી અમેરિકી યુદ્ધ જહાજો પસાર થયા એટલે કેે તેઓ સાવ ચીનના કાંઠેથી જ નીકળ્યા હતા. ચીને તુરંત અમેરિકાના આ પગલાનો વાંધો ઉઠાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે અમેરિકા આ પ્રવૃત્તિ બંધ કરે તો સારી વાત છે, બાકી જોયા જેવી થશે.

સામે પક્ષે અમેરિકાએ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાંથી પસાર થયા છીએ.આંતરરાષ્ટ્રીય કાયદો જ્યાં છૂટ આપે ત્યાં અમારા જહાજો પસાર થશે,વિમાનો ઉડશે અને અમારા લશ્કરની હાજરી રહેશે.

ઈન્ડો-પેસેફિક વિસ્તાર શાંત અને સલામત રહે એટલા માટે અમે નિયમિત આ વિસ્તારમાંથી પસાર થતાં જ રહીશું એમ અમેરિકાના સાતમા પેસેફિક નૌકા કાફલાએ બયાનમાં કહ્યું હતું. જાપાને છેલ્લા બેે દાયકામાં સબમરિન ટેકનોલોજી પર સંશોધન કરી તેના માટે ખાસ લિથિયમ આયન બેટરી તૈયાર કરી છે.

બેટરીને કારણે સબમરિનની ઝડપ, પાણીમાં રહેવાની ક્ષમતા વગેરેમાં વધારો થશે. જાપાન આ સાથે તેઈગી (તેઈગી એટલે મોટી વહેલ) ક્લાસની નવી સબમરિનોનો કાફલો લૉન્ચ કરવા માંગે છે. જાપાનની મિત્સુબિશી કંપનીએ તૈયાર કરેલી સબમરિન 276 ફીટ લાંબી છે, 30 ફીટની ગોળાઈ ધરાવે છે અને જાપાન સરકારે તેની પાછળ સવા પાંચ હજાર કરોડ રૂપિયા જેવો તોતીંગ ખર્ચ કર્યો છે.

70 નાવિકોનો સમાવેશ કરી શકતી આ જાપાની નૌકા કાફલાની 22મી સબમરિન છે. જાપાન અને ચીન વચ્ચેના કેટલાક ટાપુઓ પર ચીન ગેરકાયદેસર દાવો કરે છે. તેના રક્ષણાર્થે જાપાને એક પછી એક આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી છે.

(12:39 pm IST)