Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વડાપ્રધાન મોદીએ સીરો સર્વેમાં વધારો કરવા પર ભાર મૂકયો

દેશના દરેક નાગરિકને સરળતાથી અને ઓછી કિંમતે કોરોનાનો ટેસ્ટઃ તેની વેકસીન અને સારવાર પુરી પાડવા માટે પ્રતિબદ્ઘ છીએ

નવી દિલ્હી,તા. ૧૬: કોરોના મહામારીને લઈને એક મહત્વની બેઠક કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાના ટેસ્ટ અને સીરો સર્વેમાં વધારો કરવા પર ભાર મૂકયો હતો. સાથે જ આવનાર ભવિષ્યમાં કોરોનાની વેકસીનની કિંમતને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

તેમણે કહ્યું કે, સૌકોઈ માટે ઓછી કિંમતે નિયમિત રીતે અને ઝડપથી કોરોનાના ટેસ્ટની જેમ બને તેમ ઝડપથી પુરી પાડવા કહ્યું છે. દેશના દરેક નાગરિકને સરળતાથી અને ઓછી કિંમતે કોરોનાનો ટેસ્ટ, તેની વેકસીન અને સારવાર પુરી પાડવા માટે પ્રતિબદ્ઘ છીએ.

કોરોના વાયરસના રિસર્ચ અને તેની વેકસીન બનાવવાની પ્રક્રિયામાં પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ પોતે જ કરી હતી. જેમાં તેમણે સતત અને વૈજ્ઞાનિક તપાસની સાથો સાથ પારંપારિક સારવારની પદ્ઘતિઓના મહત્વ પર પણ ભાર મૂકયો હતો.

તેમણે આયુષ મંત્રાલય આયુષ મંત્રાલય તરફથી પુરાવા આધારીત રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન આપવાના પ્રયાસોના પણ વખાણ કર્યા હતાં. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, નીતિ આયોગના સભ્ય (હેલ્થ), પ્રિંસિપલ સાઈંટિફિક એડવાઈઝર, અનેક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારીઓ શામેલ થયા હતાં.

વડા પ્રધાન મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વેકસીનના વિતરણની વ્યાપક તૈયારી વિષેની યોજનાની જાણકારી લીધી હતી.

કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને તેનો રિકવરી રેટ ખુબ જ વધ્યો છે. હવે વેકસીનની દિશામાં અને તેની વહેંચણીને લઈને સરકાર રૂપરેખા ઘડી રહી છે.

(11:44 am IST)