Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અસીલો પાસેથી ૨૧૭ કરોડ ફી લેનારા વકીલના ૩૮ સ્થળો પર ઇન્કમટેકસના દરોડા

ચંદીગઢના વકીલ વિરૂધ્ધ થયેલી કાર્યવાહીમાં ૫.૫ કરોડ જપ્ત : ૧૦ બેંક લોકરો પણ સીલ

નવી દિલ્હી તા. ૧૬ : ઇન્કમટેક્ષ વિભાગે તેના અસીલો પાસેથી ૨૧૭ કરોડ રૂપિયા ફી લેનારા ચંદીગઢના એક વકીલના દિલ્હી એનસીઆર અને હરિયાણામાં આવેલા ૩૮ સ્થળો પર દરોડા પાડયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કરચોરીના મામલે બુધવારે થયેલી આ કાર્યવાહીમાં આયકરની ટીમે ૫.૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

સીબીડીટીએ નિવેદન કરીને જણાવ્યું કે, વકીલ વ્યાવસાયિક મધ્યસ્થતા અને વૈકલ્પિક વિવાદ સમાધાન બાદ નિપટાવતો હતો. વકીલના ૧૦ બેંક લોકરોને પણ સીલ કરાયા. આયકર વિભાગને શંકા હતી કે વકીલ તેમના અસીલોના કેસ નિપટાવાની ફી રૂપે રોકડની મોટી રકમ વસુલતો હતો.

દરોડા દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા બેહિસાબી રોકડ લેણદેણ અને રોકડ સાથે જોડાયેલા દસ્તાવેજ પણ મળ્યા છે. સીબીડીટીના જણાવ્યા મુજબ વકીલે એ કેસમાં ૧૧૭ કરોડ રોકડ ફી લીધી. જ્યારે ૨૧ કરોડ રૂપિયા રેકોર્ડમાં દેખાડયા જેની ચુકવણી તેને ચેકથી કરવામાં આવી. એક અન્ય કેસમાં તેને એક બુનિયાદી માળખુ તેમજ એન્જીનિયરીંગ કંપનીએ ફી પેટે ૧૦૦ કરોડ રૂપિયા રોકડ આપ્યા હતા. સીબીડીટીને તપાસમાં જાણવા મળ્યું કે આ બેહિસાબ રોકડથી વકીલે આવાસીય તેમજ વ્યવસાયિક સંપત્તિઓ ખરીદી હતી.

આ ઉપરાંત એક શાળાનું સંચાલન કરી રહેલા ટ્રસ્ટનો કબ્જો મેળવવામાં આ રકમનો ઉપયોગ થયો હતો. દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજોમાં ૧૦૦ કરોડથી વધુ રોકડના છેલ્લા બે વર્ષમાં વિવિધ સંપત્તિઓમાં રોકાણ કરવાના પણ પુરાવા મળ્યા છે.

(11:43 am IST)