Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

હર્ડ ઇમ્યુનીટી દ્વારા કોરોના સામે જીતવું બનશે ખતરનાક

WHO પછી ૮૦ વૈજ્ઞાનિકોએ જાહેર પત્રમાં આપી ચેતવણી

નવી દિલ્હી,તા. ૧૬: કોરોના મહામારી સામે દુનિયાના ૨૧૦ થી વધારે દેશો લડી રહ્યા છે. તેની સામે લડવા માટે એફ તરફ વિભીન્ન દેશોના વૈજ્ઞાનિકો તેની રસી વિકસીત કરવામાં લાગ્યા છે તો બીજી તરફ તેની દવાઓ અને સારવારની અન્ય પધ્ધતિઓ પર પણ કામ ચાલી રહ્યું છે. કોરોના સામે ચાલી રહેલ જંગમાં વધુ એક હથિયારની ચર્ચા છેલ્લા ૧૦ મહિનામાં ઘણી વાર થઇ ચુકી છે તે છે હર્ડ ઇમ્યુનીટી વ્યાપક પણે રસીકરણ સિવાય બીજો રસ્તો એ છે કે વસ્તીનો એક મોટો ભાગ સંક્રમિત થઇ જાય. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બાબતે પહેલા જ ચેતવણી બહાર પાડી દીધી છે. હવે દુનિયાભરના ૮૦ વૈજ્ઞાનિકો અને રિસર્ચરોએ ેચેતવ્યા છે કે આ રણનીતિ કોરોના બાબતે બહુ જીવલેણ સાબિત થઇ શકે છે.

હેલ્થ રિસર્ચ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત એક જાહેર પત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરના ૮૦ વૈજ્ઞાનિકો અને રિસર્ચરોએ હર્ડ ઇમ્યુનીટી બાબતે પોતાનો મત જાહેર કર્યો છે. પત્રમાં લખ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે હર્ડ ઇમ્યુનીટીની રણનીતિ અપનાવવાનો વિચાર ખતરનાક છે. હર્ડ ઇમ્યુનીટીના બદલે નિર્ણાયક અને તાત્કાલીક કામ કરવું મહત્વનું છે.

લાન્સેટ અનુસાર, વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે લોકડાઉન સમારંભો પર પ્રતિબંધ જેવા હાલના પ્રતિબંધોથી લોકોમાં વ્યાપક  રીતે ઓછો વિશ્વાસ ઉત્પન્ન થયો છે. સાથે જ કોરોના સંક્રમણની બીજી લહેરના ભયથી લોકોમાં હર્ડ ઇમ્યુનીટી બાબતે રસ જાગ્યો છે. જો કે બધા વૈજ્ઞાનિકોએ એ વાત પર ભાર મુકયો છે કે કોરોના સંક્રમણ સામે લડવા માટે હર્ડ ઇમ્યુનીટી જેવી કોઇ પણ રણનીતિ ખામી યુકત છે.

(11:42 am IST)