Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સંઘના વડાના નિવેદનથી ભાજપને નુકસાન થશે?

અનામત માટે કાયદો છે પણ બધાને તેનો લાભ મળતો નથીઃ અમુક લોકોને જ લાભ

નવી દિલ્હી તા. ૧૬: આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પોતાના એક બયાનમાં ફરીથી અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે દેશમાં અનામત માટે કાયદાઓ બન્યા છે પણ તેનો લાભ બધાને નથી મળી રહ્યો. જેનું જયાં વર્ચસ્વ છે તેઓ લાભ લઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ સ્વીકાર્યું છે.

જોકે સંઘ પ્રમુખે એમ પણ કહ્યું કે સમાજમાં જયાં સુધી જરૂર હોય ત્યાં સુધી અનામત લાગુ રહેવી જોઇએ. મારો એ વાતને સ઼પૂર્ણ ટેકો છે. પૂણેમાં દતોપંત ઠેંગડી જન્મ શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દેશને આગળ લઇ જવા માટે દેશમાં ફેલાયેલી વિષમતા દૂર કરવી પડશે. તેમણે કહ્યું કે કાયદા તો ઘણાં બન્યાં પણ જયાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધી તેનો લાભ લોકોને નહીં મળી શકે.

જણાવી દઇએ કે ર૦૧પની બિહાર વિધાનસભા ચુંટણી વખતે પણ મોહન ભાગવતે અનામતની સમિક્ષા માટે એક બિનરાજકીય સમિતિ બનાવવાની માંગણી કરી હતી. જેના પર બહુ હંગામો થયો હતો. વિપક્ષોએ ચુંટણી દરમ્યાન આ મુદ્દો બહુ ચગાવ્યો હતો. જયારે ભાજપા ભાગવતના બયાનથી બેક ફૂટ પર આવી ગઇ હતી. ચૂંટણીના પરિણામોમાં ભાજપાને હારનો સામનો કરવો પડયો હતો ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે ભાજપાને અનામતવાળા બયાનને કારણે પણ નુકસાન ભોગવવું પડયું હતું.

(11:41 am IST)