Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

WHOનો ધડાકો... દર્દીઓના જીવ બચાવવામાં રેમડેસિવિર નિષ્ફળ

ડબલ્યુએચઓએ તાજેતરમાં કરેલા કિલનીકલ પરીક્ષણમાં દર્દીઓના જીવ બચાવવામાં આ દવા નિષ્ફળ રહી : દર્દીઓ ઉપર કોઇ અસર જોવા મળી નથી

નવી દિલ્હી તા. ૧૬ : અમેરિકી કંપની ગિલીએડની રેમડેસિવિર દવા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા વધુ સક્ષમ નથી. ડબલ્યુએચઓના તાજેતરના કિલીનીક પરિક્ષણમાં એવું જણાયું કે આ દવાની સહાયતાથી કોવિડ-૧૯ દર્દીને હોસ્પિટલમાં રહેવાના સમયગાળા અને જીવવાની સંભાવના ઘણી ઓછી અને ન બરાબર છે.

શરૂઆતમાં કોરોનાના ઇલાજ માટે આ એન્ટીવાયરલ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હાલમાં જ કોરોના વાયરસથી રિકવર થયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઇલાજમાં પણ આ દવાનો ઇલાજ કરવામાં આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ૪ સંભવિત દવા રેજીમેન્ટ પર પરીક્ષણ કર્યું હતું. જેમાં રેમડેસિવિર, હાઇડ્રોકસીકલોરોકવીન, એન્ટી એચઆઇવી ડ્રગ કોમ્બીનેશન લોપીનવીર - રીટોનાવીર અને ઇન્ટરફેરોન સામેલ છે. આ પરીક્ષણમાં ૩૦ દેશોના ૧૧૨૬૬ દર્દીઓને સામેલ કરાયા હતા. અભ્યાસમાં જણાયું છે કે, કોરોનાના ઇલાજ કરાવતી હોસ્પિટલમાં લાંબાગાળામાં દાખલ દર્દીઓ પર તેની કોઇ અસર જોવા મળી ન હતી.

ડબલ્યુએચઓના પ્રમુખ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, સંશોધન દરમિયાન હાઇડ્રોકસીકલોરોકવીન અને લોપીનાવીર-રીટોનાવીરને જુનમાં જ અટકાવી દેવામાં આવી હતી. કારણ કે ત્યારે ખબર પડી હતી કે આ દવા અસરકારક નથી પરંતુ બીજા પરીક્ષણ અન્ય ૫૦૦ હોસ્પિટલો અને ૩૦ દેશોમાં સતત ચાલતા રહ્યા હતા.

૧લી મેના રોજ અમેરિકાના ફૂડ અને ડ્રગ વિભાગે રેમડેસિવિરને અમેરિકા ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી હતી. તે પછી તેનો અનેક દેશોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

(11:41 am IST)